Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

મુંબઇ હુમલાના માસ્ટર માઇન્ડને અગાઉ મૃત જાહેર કર્યો'તોઃ હવે ૧૫ વર્ષની સજા આપી

'ડેડ' આતંકવાદીને 'જીવતો' પકડયો સાજીદ મીર ઉપર ૫ મિલિયન ડોલરનું ઇનામ છે : પાખંડી પાકિસ્તાનની ખુલી વધુ એક પોલ

ઇસ્લામાબાદ, તા.૨૫: પાકિસ્તાને ૨૦૦૮ના મુંબઇ આતંકવાદી હુમલાના સૂત્રધાર સાજીદ મીરની ધરપકડ કરી છે. આ પહેલા કુખ્યાત પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઇએસઆઇએ એફબીઆઇ દ્વારા મોસ્ટ વોન્ટેડ જાહેર કરાયેલ સાજીદ મરી ગયો હોવાનો દાવો કર્યો હતો. વિશેષજ્ઞો અનુસાર, એફએટીએફના ગ્રે લીસ્ટમાંથી બહાર નીકળવા માટે પાકિસ્તાને મીરને સજા આપવાનું નાટક કર્યુ છે.

નિક્કેઇ એશીયાના રિપોર્ટ અનુસાર, એફબીઆઇના અધિકારીએ જણાવ્યુ છે કે મીર પાકિસ્તાનમાં છે, જીવતો છે અને કસ્ટડીમાં છે. મીરને મોસ્ટ વોન્ટેડની યાદીમાં સામેલ કરતી વખતે એફબીઆઇએ ૨૦૧૧માં તેના પર ૫૦ લાખ ડોલરનું ઇનામ જાહેર કર્યુ હતું. અમેરિકા અને ભારત બંને એક દાયકાથી તેને શોધી રહ્યા છે. લશ્કરે તૈયબાના ચીફ હાફીઝ સૈયદના નજીકના ગણાતા સાજીદને મુંબઇ હુમલાની યોજના બનાવનાર ડેવીડ કોલમેન હેડલી અને અન્ય આતંકવાદીઓનો હેન્ડલર માનવામાં આવે છે.

એક ભૂતપૂર્વ પાકિસ્તાની અધિકારીએ જણાવ્યું કે પાકિસ્તાને ભારત તથા અમેરિકાને જણાવ્યુ હતુ કે મુંબઇ હુમલાનો આરોપી સાજીદ મીર કાં તો મરી ગયો છે અથવા તો તે મળતો નથી જો કે પાકિસ્તાને હજુ સુધી મીરની ધરપકડ અંગે ઓફીશ્યલી નથી જણાવ્યું. નાયબ વિદેશ પ્રધાન હીના રબબરાની ખારે નિક્કોઇ એશીયાને કહ્યું કે તે આ મામલે કોઇ ટીપ્પણી નથી કરવા માંગતી.પાકિસ્તાન સાજીદ મીરની ધરપકડ દ્વારા બતાવવા માંગે છે કે તે આતંકવાદ સામે કામ કરી રહ્યું છે. આ ધરપકડને એફએટીએફની ગ્રે યાદીમાંથી બહાર નીકળવાનું પ્લાનીંગ ગણવામાં આવી રહ્યું છે. પાકિસ્તાન જૂન ૨૦૧૮ થી એફએટીએફની ગ્રે યાદીમાં સામેલ છે. આ વખતે જર્મનીમાં થયેલ બેઠકમાં એફએટીએફએ કહ્યું હતુ કે તે પાકિસ્તાનની જમીની ચકાસણી કર્યા પછી તેને ગ્રે યાદીમાંથી બહાર કાઢવા બાબતે નિર્ણય કરશે. એટલે પાકિસ્તાન એવુ દેખાડવા માંગે છે કે તે આતંકવાદ વિરૂધ્ધ બરાબર કામ કરી રહ્યું છે.

(12:03 pm IST)