Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

જ્‍વેલરીને ઇ-વેબિલના દાયરામાં લાવવાની હિલચાલને પગલે વેપારીઓમાં ભારે ઉચાટ

જીએસટી કાઉન્‍સીલની બેઠકમાં નિર્ણય થશે તો ઉદ્યોગને ફટકો પડશે : બે વર્ષ પહેલા પણ જવેલરી માટે ઇ વેબિલ લાગુ કરવાની યોજના પડતી મુકાઇ હતી

નવી દિલ્‍હી,તા. ૨૫ : જેમ એન્‍ડ જવેલરીને પણ ઇ વેબિલના દાયરામાં સમાવી લેવા માટેની ચર્ચા આગામી જીએસટી કાઉન્‍સીલની બેઠકમાં કરવામાં આવનાર છે. તેના કારણે જવેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલાઓમાં ઉચાટની સ્‍થિતી ઉભી થઇ છે. કારણે કે જવેલરી બતાવવા માટે જાય તો પણ ઇ વેબિલ બનાવવાની સ્‍થિતી આ નિયમને કારણે સર્જાય તેમ છે. જ્‍યારે જવેલરી પાછી આવે તો તેને રીવર્સમાં કેવી રીતે બતાવવાની વ્‍યર્વસ્‍થા જ જીએસટી પોર્ટલ પર કરવામાં આવી નહીં હોવાના કારણે જેવલર્સોએ જ્‍વેલરી બતાવવા માટે પણ જીએસટી ચુકવવો પડે તેવી સ્‍થિતીનું આગામી દિવસોમાં નિર્માણ થવાની શકયતા રહેલી છે. જીએસટી કાઉન્‍સીલની બેઠકમાં નિર્ણયની વાતે ઉહાપોહ શરૂ થયો છે.

આ સમસ્‍યાનો સામનો જ્‍વેલર્સે કરવો પડશે
* માલ બતાવવા માટે જાય તો પણ ઇ વેબિલ બનાવવું પડે, પરંતુ તે વેચાણ થયા વિના પરત આવે તો તેના માટે કોઇ જોગવાઇ કરવામાં આવી નથી.
* ઇ વેબિલ બનાવવાનો નિયમ લાગુ થાય તો જીએસટી અધિકારીના નામે તેઓનો માલ લૂંટી જવાના કિસ્‍સા બનવાની શકયતા રહેલી છે.
* એક દુકાનેથી બીજુ દુકાને પણ માલ મોકલવો હોય તો તેના માટે પણ ઇ વેબિલ બનાવવાની પરિસ્‍થિતી ઉદભવી શકે છે
* એક વખત ઇ વેબિલ બનાવ્‍યા બાદ તે માટે જીએસટી ફરજીયાત ચુકવવો પડે તો જવેલર્સને માથે આર્થિક ભારણ આવી શકે

ઇ વેબિલનો નિયમ લાગુ નહીં થાય તે માટે રજુઆત કરાશે
જેમ એન્‍ડ જવેલરી સેકટર માટે ઇ વેબિલનો નિયમ લાગુ કરવામાં આવશે તો મોટુ આર્થિક ભારણ આવવાની શકયતા રહેલી છે. અગાઉ પણ આ જ રીતે નિયમ લાગુ કરવાની વાત હતી. ત્‍યારે સરકારમાં રજુઆત કરતા નિયમ લાગુ કરવામાં આવ્‍યો ન હતો. જેથી આ વખતે પણ નિર્ણય કરવામાં નહીં આવે તે માટે પુરતી રજુઆત કરવામાં આવશે.
-નૈનૈષ પચ્‍ચીગર, પ્રમુખ. ગુજરાત બુલિયન

 

(10:43 am IST)