Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટથી પ્રથમ મોત

મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રીએ કરી પુષ્ટિ : રત્નાગિરીમાં ૯, જલગાંવમાં ૭, મુંબઈમાં ૨, પાલઘર, થાણે અને સિંધુદુર્ગમાં એક-એક ડેલ્ટા પ્લસના કેસ સામે આવ્યા

મુંબઈ, તા. ૨૫ : મહારાષ્ટમાં કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટથી સંક્રમિત થયેલા વ્યક્તિનું શુક્રવારે મોત થયું છે. આ અંગેની જાણકારી રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ આપી હતી. રાજેશ ટોપેએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના ૨૧ દર્દીઓમાંથી એક દર્દીનું મોત થયું છે. મૃતકની ઉંમર ૮૦ વર્ષ કહેવામાં આવી રહી છે. વ્યક્તિ અન્ય બીમારીથી પણ પીડિત હતા. રાજ્યમાં ડેલ્ટા પ્લસના રત્નાગિરીમાં નવ, જલગાંવમાં સાત, મુંબઈમાં બે, પાલઘર, થાણે અને સિંધુદુર્ગ જિલ્લામાં એક-એક કેસ સામે આવ્યા છે.

મુંબઈમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના જે કેસ નોંધાયા છે તેમાં સુરતથી આવેલા બે વ્યક્તિ શામેલ હોવાની માહિતી મહારાષ્ટ્ર સરકારે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને આપી છે. આ સાથે જ સુરત માથે સંકટ વધી ગયું છે. આ વ્યક્તિઓ કોણ છે તેની ઓળખ જાહેર કરવામાં આવી નથી. મહારાષ્ટ્ર સરકારે તપાસ કરતા ડેલ્ટા પ્લસ વાયરસથી સંક્રમિત બંને વ્યક્તિની ટ્રાવેલ હિસ્ટ્રી સુરતની જણાઈ હતી. મહારાષ્ટ્ર સરકાર પાસેથી માહિતીમળ્યા બાદ સુરતનું તંત્ર પણ દોડતું થયું છે.

નોંધનીય છે કે મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગે ગત અઠવાડિયે એક રિપોર્ટ રજૂ કર્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે, કોરોના સંક્રમણનું નવું સ્વરૂપ ડેલ્ટા પ્લસ કોવિડ-૧૯ની ત્રીજી લહેરનું કારણ બની શકે છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, કોવિડ-૧૯ ટાસ્ટ ફોર્સના મેમ્બર્સ તેમજ સ્વાસ્થ્ય વિભાગના સભ્યો આ બેઠકમાં હાજર હતા.

આ નવું સ્વરૂપ ભારતમાં સૌથી પહેલા આવેલા 'ડેલ્ટા' એટલે કે B.1.617.2 વેરિઅન્ટના મ્યૂટેશનથી બન્યું છે. ભારતમાં સંક્રમણની બીજી લહેર માટે ડેલ્ટા વેરિઅન્ટ જવાબદાર હતું.

(9:18 pm IST)