Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

યુટ્યુબ ચેનલ પરથી ઉમરના કેટલાક વીડિયો ડિલીટ થયા

ધર્માંતરણ કેસમાં ઉમર-જહાંગીરની પુછપરછ જારી : એટીએસ સોશિયલ મીડિયાના અનેક પ્લેટફોર્મ ઉપર ઉપલબ્ધ ઉમર ગૌત્તમના વીડિયો પણ તપાસી રહી છે

નવી દિલ્હી, તા. ૨૫ : એટીએસ દ્વારા ઉત્તર પ્રદેશના ચર્ચિત ધર્માંતરણ કેસમાં ધરપકડ કરવામાં આવેલા ઉમર ગૌતમ અને જહાંગીર આલમની પુછપરછ કરવામાં આવી રહી છે. દેશના ૨૪ રાજ્યોમાં ઉમરનું નેટવર્ક ફેલાયેલું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે અને એટીએસ તેની તપાસમાં લાગ્યું છે. આ સાથે જ ઉમર દ્વારા જે એડ્રેસ આપવામાં આવ્યા છે ત્યાં તપાસ કરવા માટે યુપી પોલીસ સંબંધિત રાજ્યની પોલીસ સાથે મળીને જાણકારી એકત્રિત કરી રહી છે. આ સમગ્ર કેસ પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોતે જ નજર રાખી રહ્યા છે અને તેમણે અધિકારીઓને આ કેસના મૂળ સુધી પહોંચીને કાર્યવાહી કરવા માટે નિર્દેશ આપ્યો છે.

યોગી આદિત્યનાથે આ કેસમાં જે લોકો દોષી ઠેરવાય તેમના વિરૂદ્ધ ખૂબ જ આકરી કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. એટીએસના સૂત્રો દ્વારા મળતા અહેવાલ પ્રમાણે ઉમરે ફન્ડિંગ મામલે કેટલીક મહત્વની જાણકારી આપી છે જેની તપાસ ચાલુ છે. સાથે જ ઉમર કોઈ પણ રીતે સંકળાયેલો હોય તેવી તમામ સંસ્થાઓની તપાસ કરવામાં આવી રહી છે.

કાયદા વ્યવસ્થાના એડીજી પ્રશાંત કુમારના કહેવા પ્રમાણે ધર્માંતરણ સાથે સંકળાયેલા તમામ સંગઠનોની વિસ્તૃત તપાસ કરવામાં આવશે અને પોલીસ સતત જે લોકોનું ધર્માંતરણ કરવામાં આવ્યું છે તેમના પરિવારજનોના સંપર્કમાં જ છે. એટીએસ સોશિયલ મીડિયાના અનેક પ્લેટફોર્મ પર ઉપલબ્ધ ઉમરના વીડિયો પણ તપાસી રહી છે. ઈસ્લામિક દાવા સેન્ટર નામની એક યુટ્યુબ ચેનલ પણ છે જેમાં ઉમરના અનેક વીડિયો અપલોડેડ છે. જોકે સમગ્ર કેસ સામે આવ્યો ત્યાર બાદ ઉમરના કેટલાક વીડિયો ડીલિટ થયા છે જેની તપાસ ચાલી રહી છે.

(7:45 pm IST)