Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

બેરોજગારી -મોંઘવારીની સમસ્યા : ૭ જુલાઇથી કોંગ્રેસનું ૧૦-દિવસ રાષ્ટ્રવ્યાપી આંદોલન

નવી દિલ્હી,તા. ૨૫: દેશમાં ફેલાયેલી બેરોજગારીની સમસ્યા અને વધી રહેલી મોંઘવારી સામે કોંગ્રેસ પાર્ટી આવતી ૭ જુલાઇથી ૧૦ દિવસ સુધી રાષ્ટ્રવ્યાપી આંદોલન કરશે.તે દરમિયાન પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓ જિલ્લા સ્તરે સાઇકલ યાત્રા કાઢશે. રાજ્ય સ્તરે કૂચ અને મોરચાઓનું આયોજન કરવામાં આવશે.

કોંગ્રેસ પાર્ટીએ બહાર પાડેલા એક નિવેદનમાં જણાવાયુ છે કે કોરોના વાઇરસ રોગચાળાને કારણે પહેલેથી જ તકલીફ ભોગવી રહેલા લોકોની હાલત જોઇને દુઃખ થાય છે. એમાં નિરંકુશ બેરોજગારી અને પગાર કાપ જેવી સમસ્યાઓએ લોકોનું જીવન દુષ્કર કરી દીધુ છે. તેથી કોંગ્રેસ પાર્ટીએ નક્કી કર્યું છે. તે રાજ્ય, જિલ્લા અને બ્લોક સ્તરે રાષ્ટ્રવ્યાપી આંદોલન કાર્યક્રમો શરૂ કરશે. આ કાર્યક્રમોનો અમલ પક્ષના રાજ્ય એકમો ૭ જુલાઇથી કરશે. અને તે ૧૭ જુલાઇથી ચાલુ રખાશે. આ આંદોલનમાં પક્ષના નેતાઓ, મહિલા કોંગ્રેસના નેતાઓ અને સભ્યો તથા દેશભરમાં પક્ષના અસંખ્ય સામાન્ય કાર્યકર્તાઓ પણ જોડાશે. ઘણા રાજ્યોમાં ઇંધણની કિંમત પ્રતિ લીટર રૂ. ૧૦૦ને પાર કરી ગઇ છે. ઇંધણના ભાવમાં ઘટાડો કરવાની માંગણી સાથે કોંગ્રેસ પાર્ટી તમામ પેટ્રોલ પમ્પ્સ ખાતે સહી ઝુંબેશ હાથ ધરશે.

(3:15 pm IST)