Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

જે તે વિસ્તારના અધિકારી, એન્જીનિયરને થઇ શકે છે દંડ

જો બન્યા ભેગો તૂટી જશે રોડ, તો જવાબદારી અધિકારીની

તપાસમાં આવા ત્રણ કિસ્સાઓ સામે આવે તો થશે કાર્યવાહી

નવી દિલ્હી તા. ૨૫ : રોડ અને પુલ બનાવવામાં ખરાબ ગુણવત્તાના કિસ્સાઓ અવાર-નવાર જાહેર થતા હોય છે. રોડ પરિવહન અને નેશનલ હાઇવે મંત્રાલયે હવે આ દિશામાં મહત્વપૂર્ણ પગલું લેવાનો નિર્ણય કર્યો છે. જો કોઇ રોડ બન્યા ભેગો જ તૂટી જાય તો ત્યાંના અધિકારીઓને જવાબદાર ઠેરવવામાં આવશે. નેશનલ હાઇવે પર રોડ અને પુલના નિર્માણમાં ગુણવત્તાનું પાલન ન કરવા માટે રોડ પરિવહન અને નેશનલ હાઇવે મંત્રાલય, ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (એનએચએઆઇ), રાષ્ટ્રીય રાજમાર્ગ અને બુનિયાદી માળખા વિકાસ નિગમ લીમીટેડ (એનએચઆઇડીસીએલ)ના વિભાગીય કાર્યાલયના અધિકારીઓ અને એન્જીનિયરોને જવાબદાર ગણવામાં આવશે.

મંત્રાલયે હાલમાં બહાર પાડેલ પોતાના સર્કયુલરમાં કહ્યું છે કે મંત્રાલય એનએચએઆઇ અને એનએચઆઇડીસીએલની વિભાગીય ઓફિસોના અધિકારીઓ અને એન્જીનિયરો પર હળવો અથવા ભારે દંડ લગાવી શકાય છે. તપાસમાં બેદરકારીના ત્રણ કેસ સામે આવે અથવા માળખાના નિર્માણ દરમિયાન નિષ્ફળતા બાબતે તેમના વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

સર્કયુલરમાં કહેવાયુ઼ છે કે કોન્ટ્રાકટની શરતોના ઉલ્લંઘનને રોકવા માટે મંત્રાલયમાં સક્ષમ અધિકારીએ નિર્ણય કર્યો છે કે ઓથોરીટીના અધિકારી સાઇટ પર પરિયોજનાઓ નીરીક્ષણ કરે જેથી નક્કી કરી શકાય કે કામમાં નક્કી કરાયેલ નિર્માણ પધ્ધતિનું પાલન થઇ રહ્યું છે. હાલમાં અધિકારી કોઇ પણ નિષ્ફળતા માટે ફકત કોન્ટ્રાકટરો, સ્વતંત્ર એન્જીનિયરો અને કામનું ધ્યાન રાખનાર સલાહકારોને દંડીત કરે છે.

(11:41 am IST)