Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

કૌભાંડ... મુંબઇમાં ૨૦૫૩ લોકોને નકલી રસી લાગી

મુંબઇના ૯ અલગ - અલગ કેન્દ્રોમાં ૨૦૫૩ લોકો નકલી રસીનો શિકાર બનતા ખળભળાટ : બોગસ રસીકરણનો મામલો સામે આવતા હાઇકોર્ટ ચોંકી : રાજ્ય અને બીએમસીને તપાસનો આદેશ આપ્યો : ૪૦૦ સાક્ષીઓના નિવેદનના આધારે એફઆઇઆર

મુંબઇ તા. ૨૫ : દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ૨ હજારથી વધારે લોકો નકલી રસીકરણ રેકેટમાં છેતરપિંડીનો શિકાર બન્યા છે. મહારાષ્ટ્ર સરકારે ગુરૂવારે બોમ્બે હાઈકોર્ટને જણાવ્યું કે ૨૦૫૩ લોકોને નકલી રસી લાગી છે. આના પર હાઈકોર્ટમાં તે લોકોના સ્વાસ્થ્યને લઈને ચિંતા વ્યકત કરવામાં આવી છે જેમને આ રસી લગાવાઈ છે.

બોમ્બે હાઈકોર્ટમાં રાજય સરકાર તરફથી ગુરૂવારે નકલી રસીકરણનો રિપોર્ટ રજૂ કરાયો. ચીફ જસ્ટિસ દીપાંકર દત્તા તથા જસ્ટિસ જીએસ કુલકર્ણીની કોર્ટમાં રાજય સરકારના વકીલ તથા મુખ્ય લોક અભિયોજક દીપક ઠાકરે કોર્ટને જણાવ્યું કે મુંબઈમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૯ નકલી રસીકરણ શિબિર આયોજિત કરવામાં આવી છે.

આ મામલામાં પોલીસ ૪ અલગ અલગ ફરિયાદ નોંધી છે.  ઠાકરેએ કોર્ટને જણાવ્યું કે લગભગ ૨૦૫૩ લોકો આ નકલી રસીકરણ શિબિરોનો શિકાર બન્યા છે. જેમાં બોરિવલીમાં  ૫૧૪, વર્સોવામાં ૩૬૫, કાંવલીમાં ૩૧૮, લોઅર પરેલમાં ૨૦૭ અને મલાડમાં ૩૦ સહિત અન્ય લોકો સામેલ છે. પોલીસે ૪૦૦ સાક્ષીઓના નિવેદન નોંધ્યા છે. ઉલ્લેખનીય છે કે કાંદિવલી સ્થિત હિરાનંદાની હેરિટેજ સોસાયટીમાં લાગેલા નકલી રસી શિબિર મામલામાં એક ચિકિત્સક આરોપી છે. જે હજુ મળ્યો નથી. કેટલાકની ઓળખ થઈ ચૂકી છે તો કેટલાક અજ્ઞાત શખ્સોની શોધ ચાલુ છે.

હાઈકોર્ટે સરકારનો રિપોર્ટ સ્વીકાર કરતા કહ્યું કે રાજય સરકાર અને બીએમસીના અધિકારીઓ પીડિતોમાં નકલી રસીની આડ અસરને લઈને તપાસ કરવી જોઈએ. કોર્ટે કહ્યું કે અમને રસી લેનારની ચિંતા છે. કોર્ટે રાજય સરકાર અને બીએમસી નિર્દેશ આપ્યા કે આ અંગે સોગંદનામું દાખલ કરી જવાબ આપે.

(10:25 am IST)