Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

જમ્મુ-કાશ્મીરમાં માર્ચ ૨૦૨૨ પહેલા યોજાઈ શકે છે ચૂંટણીઃ સીમાંકન બાદ વધી શકે છે ૭ સીટ

અમારી પ્રાથમિકતા જમ્મુ-કાશ્મીરમાં જમીની સ્તર પર લોકતંત્રને મજબૂત કરવાની છેઃ વડાપ્રધાન મોદી

નવી દિલ્હી-શ્રીનગર, તા.૨૫: જમ્મુ અને કાશ્મીરના મુદ્દા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠક બાદ ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. માનવામાં આવી રહ્યું છે કે સરકાર, કેન્દ્ર શાસિત પ્રદેશમાં લોકતાંત્રિક પ્રક્રિયા શરૂ કરવા માટે ચૂંટણી યોજી શકે છે. જોકે તેના માટે સીમાંકનની કામગીરી ઝડપથી પૂરી કરવી પડશે. એક મીડિયા રિપોર્ટ મુજબ, કેન્દ્ર સરકારઆ વર્ષે ડિસેમ્બરથી આવતા વર્ષે માર્ચ ૨૦૨૨ સુધીમાં ચૂંટણી યોજી શકે છે. નોંધનીય છે કે, આ સમયગાળામાં ઉત્ત્।ર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ જેવા મોટા રાજયોમાં પણ વિધાનસભા ચૂંટણી યોજાશે. આ ક્રમમાં સરકાર ઈચ્છે છે કે સીમાંકનનું કામ વહેલી તકે પૂરું કરી લેવામાં આવે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જમ્મુ કાશ્મીરના નેતાઓ સાથેની બેઠકમાં કહ્યું કે પ્રથમ પ્રાથમિકતા ડીડીસી ચૂંટણીની જેમ વિધાનસભા ચૂંટણી કરાવવી છે. આ ચૂંટણી ત્યારે જ સંભવ છે જયારે સીમાંકન લાગુ થઇ જશે. બધા દળોએ તેના પર સહમતી આપી દીધી છે. પીએમે કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં લોકતંત્રની જડોને મજબૂત કરવા માંગું છું જેથી રાજયોના લોકોનો ઉત્થાન થઇ શકે.

વડાપ્રધાને બેઠક બાદ અનેક ટ્વીટ કરીને કહ્યું કે, વિચાર-વિમર્શ એક વિકસિત અને પ્રગતિશીલ જમ્મુ-કાશ્મીરની દિશામાં ચાલી રહેલા પ્રયાસોમાં એક મહત્ત્વપૂર્ણ પગલું હતું, જયાં સર્વાંગી વિકાસને .આગળ વધારવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, અમારી પ્રાથમિકતા જમ્મુ-કાશ્મીરમાં જમીની સ્તર પર લોકતંત્રને મજબૂત કરવાની છે. સીમાંકન તેજ ગતિથી થવાનું છે જેથી ત્યાં ચૂંટણી યોજી શકાય અને જમ્મુ-કાશ્મીરને એક ચૂંટાયેલી સરકાર મળે જે જમ્મુ-કાશ્મીરના વિકાસને મજબૂતી આપે.

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ રંજના પ્રકાશ દેસાઈની આગેવાનીવાળી પેનલને કેન્દ્રશાસિત પ્રદેશમાં સીમાંકનની જવાબદારી સોંપવામાં આવી છે. કેન્દ્ર સરકારે ઓગસ્ટ ૨૦૧૯માં જમ્મુ-કાશ્મીરનો વિશેષ રાજયનો દરજ્જો ખતમ કરી દીધો હતો અને તેના પુનર્ગઠનની દ્યોષણા કરી હતી. ત્યારબાદ તે કેન્દ્ર શાસિત પ્રદેશ ઓકટોબર ૨૦૧૯માં અસ્તિત્વમાં આવ્યો. સીમાંકનની કાર્યવાહી બાદ જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા સીટોની સંખ્યા ૮૩થી વધીને ૯૦ થઈ જશે. વિધાનસભાની ૨૪ સીટો પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં હોવાના કારણે ખાલી રહે છે.

(10:17 am IST)