Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

અજીત ડોભાલે પાકિસ્તાન પ્રેરિત આતંકી સંગઠનોનો સંપૂર્ણ ખાતમો કરવાનો એક્શન પ્લાન પ્રસ્તુત કર્યો

તાજિકિસ્તાનમાં શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠક યોજાઈ: ભારત ઉપરાંત અફઘાનિસ્તાન, પાકિસ્તાન, રશિયા, ચીન, કઝાકિસ્તાન, કિર્ગીસ્તાન, તાજિકિસ્તાન અને ઉજ્બેકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની હાજરી

નવી દિલ્હી : શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ)ના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠક તાજિકિસ્તાનમાં થઈ હતી. તેમાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોભાલે પાક. પ્રેરિત આતંકવાદના ખાતમાનો એક્શન પ્લાન રજૂ કર્યો હતો.

 

એસસીઓના સભ્ય દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠકમાં હાજર રહેલાં ભારતના એનએસએ અજિત દોભાલે પાક.ના એનએસએની હાજરીમાં કહ્યું હતુંઃ આતંકવાદની અમે કડક શબ્દોમાં ઝાટકણી કાઢીએ છીએ. આતંકવાદ ફેલાવતા તમામ સામે એક સરખી કડક કાર્યવાહી થવી જોઈએ. સરહદ પારથી આતંકવાદ ફેલાવનારાને કડક સજા આપવી જોઈએ.
તેમણે ઉમેર્યું હતું કે ભારત સંયુક્ત રાષ્ટ્રના સંકલ્પો સાથે સહમત છે. સંયુક્ત રાષ્ટ્રસંઘે જેને આતંકવાદી ઘોષિત કર્યા છે તેના પર પ્રતિબંધોનું ભારત પાલન કરે છે અને આગામી સમયમાં પણ એનું પાલન કરવા ભારત પ્રતિબદ્ધ છે. પાકિસ્તાન પ્રેરિત આતંકી સંગઠનો - જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તોયબા વગેરેનો સંપૂર્ણ ખાતમો કરવાનો એક્શન પ્લાન અજિત દોભાલે અન્ય સુરક્ષા સલાહકારો સમક્ષ રજૂ કર્યો હતો. અજિત દોભાલે રશિયન એનએસએ સાથે બે કલાક વાર્તાલાપ કર્યો હતો.
આ બેઠકમાં ભારત ઉપરાંત અફઘાનિસ્તાન, પાકિસ્તાન, રશિયા, ચીન, કઝાકિસ્તાન, કિર્ગીસ્તાન, તાજિકિસ્તાન અને ઉજ્બેકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોએ હાજરી આપી હતી.
એસસીઓના સંગઠનમાં આઠ સભ્ય દેશો છે. આ સંગઠન સામાજિક, આર્થિક સહયોગ વધારવા માટે બન્યું હતું. ૨૦૧૭થી ભારત તેમાં જોડાયું હતું.

(12:00 am IST)