Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

ખાનગી કંપનીઓ માટે ખુલ્યુ સ્પેસ સેકટર

હવે પ્રાઇવેટ કંપની પણ બનાવી શકશે રોકેટ અને સેટેલાઇટ : ઇસરોનું એલાન

બેંગલુરૂ તા. ૨૫ : આવનારા દિવસોમાં હવે ભારતમાં પણ અંતરિક્ષના ક્ષેત્રમાં મોટું પરિવર્તન જોવા મળી શકે છે. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO)એ જાહેરાત કરી છે કે હવે પ્રાઇવેટ કંપનીઓ પણ રોકેટ અને સેટેલાઇટ બનાવી શકે છે. ISROના ચેરમેન કે. સિવને જણાવ્યું કે, હવે સ્પેસ સેકટરને પ્રાઇવેટ કંપનીઓ માટે ખોલી દેવામાં આવશે. નોંધનીય છે કે, આ વર્ષે NASAએ પહેલીવાર પ્રાઇવેટ કંપની સ્પેસએકસના અંતરિક્ષયાનથી બે લોકોને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન મોકલ્યા છે.

ISROના ચેરમેન કે. સિવને ગુરુવારે કહ્યું કે, ખાનગી ક્ષેત્રને હવે રોકેટ અને સેટેલાઇટ બનાવવા અને પ્રક્ષેપણ સેવાઓ પૂરી પાડવા જેવી અંતરિક્ષ સંબંધિત પ્રવૃત્ત્િ।ઓની મંજૂરી આપવામાં આવશે. તેઓએ કહ્યું કે ખાનગી ક્ષેત્ર ISROના અંતરગ્રહીય મિશનનો પણ હિસ્સો બની શકે છે. જોકે સિવને જણાવ્યું કે ISROનું કામ ઓછું નહીં થાય, ઇસરો તરફથી રિસર્ચ અને વિકાસના કામ સતત થતા રહેશે.

નોંધનીય છે કે, છેલ્લા થોડા વર્ષોથી પ્રાઇવેટ કંપનીઓ ISROને કમ્પોનન્ટ્સ અને બીજો સામાન પૂરો પાડતી રહી છે. સિવને કહ્યું કે, અંતરિક્ષ અનુસંધાનના ક્ષેત્રમાં હવે રોજગારની શકયતા વધશે. આ ઉપરાંત આ સેકટરમાં ગ્રોથની પણ સારી શકયતા છે. નોંધનીય છે કે અમેરિકા, ચીન અને યૂરોપના અનેક દેશોમાં અંતરિક્ષને લઈને થઈ રહેલા અનુસંધાનમાં પહેલાથી જ પ્રાઇવેટ સેકટરની ભાગીદારી રહી છે.

નોંધનીય છે કે, બુધવારે કેબિનેટે અંતરિક્ષ સાથે જોડાયેલી તમામ ગતિવિધિઓમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારીને મંજૂરી આપી હતી. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહે આ જાણકારી આપતા કહ્યું હતું કે, આ કારણે આ ક્ષેત્રમાં તેજી આવવા ઉપરાંત ભારતીય ઉદ્યોગ વિશ્વની અંતરિક્ષ અર્થવ્યવસ્થામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકશે. તેની સાથે જ આ ક્ષેત્રમાં મોટાપાયે રોજગારીનું નિર્માણ થશે અને ભારત એક ગ્લોબલ ટેકનીકલ પાવર હાઉસ બની રહ્યું છે.(૨૧.૩૦)

(4:27 pm IST)