Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

ઇમરજન્સી કોર્ટના અનાદરનો દાખલો : વડાપ્રધાનનરેન્દ્ર મોદીનો ધડાકો

રાષ્ટ્રપતિના અભિભાષણ ઉપર આભાર પ્રસ્તાવનો જવાબ આપ્યો : નવી સરકારે ત્રણ સપ્તાહમાં અનેક નિર્ણયો કર્યા : દરરોજ ત્રણ મોટા નિર્ણય સાથે સરકાર આગળ વધી : કોંગી ગાંધી પરિવારથી બહાર નિકળી શકી નથી

નવી દિલ્હી,તા. ૨૫  : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે લોકસભામાં વિપક્ષ ઉપર આકરા પ્રહાર કર્યા હતા. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને ભારત રત્ન આપવાના પોતાની સરકારનો ઉલ્લેખ કરતા તેમણે વિપક્ષ ઉપર આકરા પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, અગાઉની સરકારોનું યોગદાન મોદી સરકાર ગણી રહ્યા નથી તેવા આક્ષેપ આધારવગરના છે. મોદીએ કહ્યું હતું કે, ગઇકાલે લોકસભામાં નારેબાજી થઇ હતી. આજે ૨૫મી જૂન છે. ઘણા લોકોને તો આની માહિતી પણ નથી કે ૨૫મી જૂનના દિવસે શું થયું હતું. નજીકના લોકોને પુછવાની ફરજ પડે છે. આવી સ્થિતિમાં આ યાદ અપાવવાની જરૂર છે કે, ૨૫મી જૂનની રાત્રે આજથી ૪૪ વર્ષ પહેલા દેશના આત્માને કચડી નાંખવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, માત્ર પોતાની સત્તાને બચાવવા માટે દેશને જેલખાનું બનાવી દેવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ ઉપર આભાર પ્રસ્તાવ પર ચર્ચા બાદ જવાબ આપતા મોદીએ પોતાની બીજી અવધિની ત્રણ સપ્તાહની સિદ્ધિઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા વડાપ્રધાને કહ્યું હતું કે, પાર્ટીએ ક્યારે પણ ગાંધી-નહેરુ પરિવારમાંથી સભ્યો સિવાય અન્ય કોઇ સભ્યોને આગળ લાવવા માટે પ્રયાસ કર્યા ન હતા. રાષ્ટ્રપતિના ભાષણ ઉપર ચર્ચાનો જવાબ આપતા મોદીએ કહ્યું હતું કે, કોંગ્રેસે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને નરસિંહા રાવના સારા કામની પ્રશંસા કરી ન હતી. તેમણે કહ્યું હતું કે, રાષ્ટ્રીય પ્રગતિમાં કેટલાક યોગદાન આપનાર લોકોને યાદ કરવામાં આવતા નથી પરંતુ અન્ય પાર્ટીઓની ટિકા થતી રહે છે. મોદીએ કહ્યું હતું કે, ભારતમાં લોકશાહી બંધારણના પેજમાંથી જન્મી નથી. ભારતમાં લોકશાહી દશકોથી અમારા આત્મા તરીકે છે પરંતુ ૨૫મી જૂનના દિવસે અડધી રાત્રે તેને કચડી નાંખવામાં આવી હતી. મિડિયાની સ્વતંત્રતા આંચકી લેવામાં આવી હતી. દેશના મહાપુરુષોને જેલ ભેગા કરી દેવામાં આવ્યા હતા. માત્ર સત્તા બચાવવા માટે આ તમામ પ્રયાસો થયા હતા. મોદીએ કહ્યું હતું કે, આજે ફરી એકવાર લોકશાહી પ્રત્યે સંકલ્પને સમર્પિત કરવાની જરૂર છે. તે વખતે જે લોકો પણ આ પાપના ભાગીદાર હતા તે દાગ ક્યારે પણ દૂર થનાર નથી. આ બાબત યાદ કરવી પણ જરૂરી છે. મોદીએ કહ્યું હતું કે, એ વખતે મિડિયા ઉપર તાળા મુકી દેવામાં આવ્યા હતા. દરેક વ્યક્તિને લાગતું હતું કે પોલીસ પકડી લેશે. જાતિ, ધર્મ, સંપ્રદાયથી ઉપર ઉઠીને દેશે એ વખતે ચૂંટણીમાં પરિણામ આપ્યા હતા. મતદારોએ લોકશાહીને ફરીવાર જીવિત કરી હતી. આ વખતે પણ દેશના લોકોએ જાતિ અને ધર્મથી ઉપર ઉઠીને મતદાન કર્યું છે. મોદીએ કહ્યું હતું કે, ચૂંટણી સભાઓમાં કેટલીક વાત કરવામાં આવી હતી. કોંગ્રેસ પાર્ટીએ આડેધડ આક્ષેપબાજી કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીએ કેટલાક ખોટા આક્ષેપો કર્યા હતા કે લોકોને વાસ્તવિકતા સમજાઈ ગઈ હતી જેથી કોંગ્રેસ પાર્ટીની જમીન સરકી ગઈ હતી. મોદીએ કહ્યું હતું કે, પાંચ વર્ષ અમારા મનમાં એવી જ ભાવના રહી હતી કે, લોકો પ્રત્યે તમામ કામગીરી અદા કરવામાં આવે. જેનું કોઇ નથી તેના માટે સરકાર હોય છે તેવી ભાવના રહી હતી. અજાણતે પણ સ્વતંત્રતા બાદ એવા કલ્ચરને પ્રોત્સાહન મળ્યું હતું જેમાં સામાન્ય વ્યક્તિને પોતાના અધિકાર માટે લડવાની જરૂર છે. તેમણે ઉમેર્યું હતું કે, ગરીબોનું કલ્યાણ અને સાથે સાથે આધુનિક ભારતને મજબૂતી સાથે આગળ વધારવામાં આવે તે અમારી પ્રાથમિકતા રહેલી છે. અગાઉની સરકારોના યોગદાનને નહીં માનવાના આક્ષેપોનો જવાબ આપતા તેમણે કહ્યું હતું કે, ૨૦૦૪થી પહેલા દેશમાં વાજપેયી સરકાર હતી. ૨૦૦૪થી ૨૦૧૪ વચ્ચે શાસનમાં રહેલા લોકો સત્તાવાર કાર્યક્રમમાં વાજપેયીની પ્રશંસા કરતા ન હતા. નરસિંહરાવની પણ પ્રશંસા કરતા ન હતા. લાલ કિલ્લાથી બોલતી વેળા તેઓ પહેલા એવા વડાપ્રધાન તરીકે રહ્યા છે જેતમામ સરકારોની કામગીરીની પ્રસંશા કરી ચુક્યા છે. તમામ સરકારોએ દેશને આગળ લઇ જવામાં યોગદાન આપ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના ગાળાનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું હતું કે, ગુજરાતના ૫૦ વર્ષ થયા હતા. ગોલ્ડન જ્યુબિલીની કામગીરીને રજૂ કરવા તેઓ ઇચ્છુક છે. એ વખતે તમામ રાજ્યપાલોના ભાષણના ગ્રંથ બનાવવાની વિચારણા કરવામાં આવી હતી તેમાં સરકારના કામનો ઉલ્લેખ હોય છે.

પ્રણવદાને ભારત રત્ન આપવામાં સરકારના નિર્ણયની પણ વાત કરી હતી. મોદીએ ભાષણ દરમિયાન કહ્યું હતું કે, જ્યારે જુસ્સો ઉંડી ઉંડાણ માટેનો હોય છે ત્યારે આસમાનના કદને જોવાની બાબત યોગ્ય નથી. નાના ખેડૂતો, મજુરો માટે ૬૦ વર્ષ બાદ પેન્શન પીએમ કિસાન હેઠળ તમામ ખેડૂતોને મર્યાદામાં લાવવાની બાબત નવી સરકારની કામગીરીની સિદ્ધિઓ છે. સેનાના જવાનોના બાળકોને સ્કોલરશીપમાં વધારો કરાયો છે. પોલીસના જવાનોના બાળકોને પણ લાભ મળ્યા છે. માનવ અધિકાર સાથે જોડાયેલા મહત્વના કાનૂનને લાવવાની તૈયારી પૂર્ણ થઇ છે. દરરોજ આશરે ત્રણ મોટા નિર્ણયો લેવાયા છે. કેટલાક લોકો અન્યોની અવગણના કરે છે અને પોતાના લોકોની જ વાત સાંભળે છે. આંકડાઓમાં ન પડવા માટે મોદીએ ફરી તમામ લોકોને અપીલ કરી હતી. મજબૂત, સુરક્ષિત અને વિકસિત રાષ્ટ્રના સપનાને પરિપૂર્ણ કરવા આગળ આવવા તમામને મોદીએ અપીલ કરી હતી. મોદીએ કહ્યું હતું કે, ચૂંટણીમાં હારજીતથી તેઓ આગળ વિચારે છે. તેમના માટે ૧૩૦ કરોડ ભારતીયોની સેવાની તક વધારે સંતોષજનક બાબત છે.

(7:27 pm IST)
  • ગુજરાત રાજ્યસભાની ચૂંટણી : પેટા ચૂંટણી અલગ-અલગ યોજવા મામલે દખલ દેવા સુપ્રિમકોર્ટનો ઇન્કાર : કહ્યું ચૂંટણી પંચને રજૂઆત કરો : આ મામલે ગુજરાત કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી : વકીલ વરુણ ચોપરા દ્વારા દાખલ કરાયેલી અરજીમાં માગ કરવામાં આવી હતી કે ખાલી પડેલી જગ્યા પર ચૂંટણીપંચ જલદી અને એકસાથે મતદાન કરાવે access_time 12:09 pm IST

  • ધૂપછાંવ માહોલ વચ્ચે રાજકોટમાં ૩૩ ડિગ્રી : ઉકળાટ- બફારો યથાવત : ભેજનું પ્રમાણ ૬૧% : પવનની ગતિ ૧૨ કિ.મી. access_time 3:21 pm IST

  • હોમગાર્ડ રોકી રોન્ગ સાઈડમાં જતી કાર :ભાજપના નેતાએ માર્યો લાફો :બોનેટ પર ચડાવીને ઢસડ્યો : હરિયાણાના રેવાડીના ભાજપ નેતા સતીશ ખોડાની દબંગાઈ :હોમગાર્ડના જવાનને કારના બોનેટમાં ચડાવીને ઢસડ્યો access_time 1:18 am IST