Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

જૂનાગઢ જિલ્લામાં સટ્ટાસટ્ટી બોલાવતા મેઘરાજા : મેંદરડામાં બે કલાકમાં ૪ ઈંચ : માળીયા હાટીનામાં ૩ ઈંચ

કેશોદ, માણાવદર અને જામનગરના લાલપુરમાં ૨ ઈંચ વરસાદ ખાબકયો

રાજકોટ, તા. ૨૫ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં ધીમે ધીમે ચોમાસાનો માહોલ જામતો જાય છે અને હળવો ભારે વરસાદ વરસી જાય છે ત્યારે આજે બપોરે ૨ થી ૪ દરમિયાન મેઘરાજાએ જૂનાગઢ જિલ્લામાં મેઘમહેર કરી છે.

જૂનાગઢના પ્રતિનિધિ વિનુ જોષીના અહેવાલમાં જણાવાયુ છે કે જૂનાગઢના મેંદરડામાં ૪ ઈંચ તેમજ માળીયા હાટીનામાં ૩ ઈંચ વરસાદ વરસ્યો છે. જયારે માણાવદર અને કેશોદમાં ૨ ઈંચ વરસાદ પડ્યો છે.

વાયુ વાવાઝોડા બાદ જૂનાગઢ જિલ્લામાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો અને વાવણી પણ કરવામાં આવી હતી ત્યારબાદ આજે ફરીથી મેઘમહેર થતાં આ વરસાદ ખેડૂતો માટે લાભદાયક સાબિત થયો છે.

જામનગર જિલ્લાના લાલપુરમાં ૨ ઈંચ તેમજ ધ્રોલમાં ૪ મીમી વરસાદ પડ્યો છે. જયારે ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં ૧ ઈંચ તેમજ પોરબંદર જિલ્લાના કુતીયાણામાં ૧ાા ઈંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત અમરેલી જિલ્લાના વડીયા, લીલીયા અને સાવરકુંડલામાં હળવા ઝાપટા પડ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાણવડમાં ૫ મીમી વરસાદ પડ્યો છે.

જયારે રાજકોટમાં પણ આખો દિવસ ધૂપછાંવવાળો માહોલ છવાયેલો રહ્યો હતો પરંતુ વરસાદ વરસ્યો નથી. અસહ્ય ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે.

(4:38 pm IST)