Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

વિશ્વના ૪૦ દેશોમાં કરાયેલા એક રિસર્ચનુ તારણ પ્રમાણિકતામાં સ્વીત્ઝરલેન્ડ સૌથી આગળ

ખાલી કરતા ભરેલા પાકીટ વધુ પાછા મળે છે

નવી દિલ્હી  : તમારૂ ખોવાઇ ગયેલુ ખાલી અથવા ભરેલુ વોલેટ તમને પરતમળે તો તમને વધારે આનંદ થાય છે. આર્થિક ફાયદો તો એક કારણ છે જ પણ હમણા થયેલા એક અભ્યાસમાં જણાયું છે કે લોકો તમે ધારો છો તેના કરતા વધારે પરગજુ હોય છે.

સાયન્સ નામના મેગેઝીનમાં ગુરૂવારે પ્રગટ થયેલોએક રીપોર્ટ જે અમેરીકા અને સ્વીઝરલેન્ડના રીસર્ચરો દ્વારા વૈશ્વિક પ્રમાણીકતા અંગેનો છે. આ પ્રકારનો અભ્યાસ પહેલીવાર કરાયો છે. આ અભ્યાસ દુનિયાના ૪૦ દેશોના ૩૫૫ શહેરોમાં કરાયો હતો.

આ અભ્યાસ માટે રીસર્ચરોએ, બેંક, પોસ્ટ ઓફીસ,મ્યુઝીયમ, અને મુવી થીયેટર જેવી જાહેર જગ્યાઓએ ૧૭૦૦૦ વોલેટ મુકયા હતા, પધ્ધતિ એવી રખાઇ હતી કે એક રિસર્ચ આસીસ્ટન્ટ કોઇ બેન્ક કે દુકાન કે સંસ્થાના કર્મચારીને જઇને કહે કે મને આ વોલેટ મળ્યું છે પણ મારે અગત્યનું કામ છે અને હું રોકાઇ શકુ તેમ નથી તો તમે તેનો માલીક આવે તો તેને આપી દેશો. દરેક વોલેટમાં એક શોપીંગ લીસ્ટ, એક ચાવી અને ત્રણ બીઝનેસ કાર્ડ ખોટા નામ અને એક ઇમેઇલ આઇડી સાથેના મુકવામાં આવ્યા હતા. અમુક વોલેટ ખાલી હતા, જયારે બાકીનામાં ૧૩.૪૫ ડોલર ની કિંમતનું જે તે દેશનું ચલણ મુકવામાં આવ્યું હતું. પરિણામો દેશે દેશમાં જુદા જોવા મળ્યા હતા. ખાલી વોલેટ પણ પાછુ આપવાના પ્રયત્ન કરનાર લોકોમાં સ્વીઝરલેન્ડના લોકો ૧૦ માંથી ૭ હતા, જયારે ચીનમાં એકથી પણ ઓછા હતા પણ બંન્ને દેશોમાં એક ટ્રેન્ડ સરખો હતો કે ભરેલુ પાકીટ પાછુ આપનાર લોકો ઘણા વધારે હતા.

વૈશ્વીક રીતે જોવામાં આવે તો ખાલી વોલેટ ૪૦ ટકા પાછા મળ્યા હતા, જયારે ભરેલા વોલેટ ૫૧ ટકા પાછા મળ્યા હતા. આ પરીણામો એ લોકોમાં લોભવૃતિ અને આર્થિક લાભ મેળવવાની વૃતી વધી ગઇ હોવાની માન્યતાને ખોટી ઠેરવી હતી. આ પરીણામોમાંથી સાબિત થયું કે લોકોમાં હજુ પરગજુ વૃતિ છે અને આર્થિક લાભ મેળવવા કરતા પણ ચોર ગણાઇ જવાનો ભય રહેલો છે.

આ અભ્યાસના સહ લેખક એલન કોરને કહ્યું કે અમારા પરિણામો સાબીત કરે છેકે જયાં લોકશાહી મજબુત છે ત્યાંના લોકો પ્રમાણમાં વધારે પ્રમાણીક હોય છે.

એક વધારાનો પ્રયોગ આ રીસર્ચરોએ અમેરિકા, બ્રિટન અને પોલેન્ડમાં કર્યો હતો, જયાં વોલેટમાં ૯૫ ડોલરની સમકક્ષની લોકલ કરન્સી મુકવામાં આવી હતી, પણ ટ્રેન્ડ એવો જ રહયો કે વધારે પૈસાવાળા વોલેટ હોવાથી પરત આપવાની ટકાવારી ૧૧ ટકા વધી ગઇ હતી. અભ્યાસનું બીજુ એક તારણ એ પણ હતું કે, વોલેટમાં ચાવી મુકી હોવાના કારણેવોલેટ પાછુ આવવાની ટકાવારીમાં ૯.૨ ટકાનો વધારો જોવા મળ્યો હતો.

(3:35 pm IST)