Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

સગીર વાહન ચલાવશે તો માતાપિતા દોષી ગણાશે, મોટર વ્હીકલ સુધારા બિલને મંજૂરી

ઈમરજન્સી વાહનોને રસ્તો નહીં આપવા પર તેમજ ડ્રાઇવિંગ કરવા માટે લાયક ન હોવા છતાં ડ્રાઇવિંગ કરવા બદલ રૂ. ૧૦ હજારના દંડની જોગવાઈ.

નવી દિલ્હી,તા.૨૫: સોમવારે કેન્દ્રીય કેબિનેટે મોટર વ્હિકલ સુધારા ખરડાને મંજૂરી આપી દીધી છે. આ સુધારામાં વિવિધ ગુનામાં અલગ અલગ દંડનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે. જે પ્રમાણે હવેથી જો કોઈ સગીર વ્યકિત ડ્રાઇવિગ કરતા પકડાશે તો તેના માટે વાહનના માલિક અને ગાર્ડિયનને દોષી ગણવામાં આવશે. આ ઉપરાંત આવા કેસમાં વાહનનું રજીસ્ટ્રેશન રદ થવા સુધીના પગલાં લેવાશે. તેની સાથે સાથે ત્રણ વર્ષ સુધી જેલની સજા અને રૂ. ૨૫ હજારના દંડનો પણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સરકાર આ બિલને વર્તમાન સંસદ સત્ર દરમિયાન પસાર કરવાનો પ્રયાસ કરશે.

કયા ગુના માટે કેટલો દંડ અને સજા?

૧) ઈમરજન્સી વાહનોને રસ્તો નહીં આપવા પર તેમજ ડ્રાઇવિંગ કરવા માટે લાયક ન હોવા છતાં ડ્રાઇવિંગ કરવા બદલ રૂ. ૧૦ હજાર દંડના દંડની જોગવાઈ.

૨) નિર્ધારિત ઝડપ કરતા વધારે ઝડપથી વાહન ચલાવવા માટે રૂ. ૧૦૦૦ થી ૨૦૦૦ સુધીના દંડનો પ્રસ્તાવ.

૩) ડ્રાઈવિંગ લાઇસન્સના નિયમોનું ઉલ્લંદ્યન કરનારા કેબ ચાલકોને રૂ. ૧ લાખ સુધીની પેનલ્ટી લાગશે.

૪) નિર્ધારિત કરતા વધારે માત્રામાં વજન ભરવા પર રૂ. ૨૦,૦૦૦નો દંડ લાગશે.

૫) લાઇસન્સ વગર ડ્રાઈવિંગ કરતા પકડાવા પર રૂ. ૨૦૦૦ અને હેલમેટ વગર ડ્રાઇવિંગ કરવા પર રૂ. ૧૦૦૦ રૂપિયા સુધીનો દંડ થશે. આવા કેસમાં ડ્રાઇવિંગ લાઇસન્સ ત્રણ મહિના સુધી સસ્પેન્ડ પણ થઈ શકે છે.

૬) જો કોઈ સગીર ડ્રાઇવિંગ કરતા પકડાશે તો વાહન માલિક અને તેના ગાર્ડિયન (પાલક) દોષી ગણાશે. આવા કેસમાં વાહનનું રજીસ્ટ્રેશન પણ રદ કરવામાં આવશે તેમજ ત્રણ વર્ષ સુધીની જેલની સજા અને રૂ. ૨૫ હજારના દંડની પણ જોગવાઇ છે.

૭) ટ્રાફિકના નિયમ તોડવા પર રૂ. ૧૦૦ના બદલે રૂ. ૫૦૦ પેનલ્ટી લાગશે.

(3:24 pm IST)