Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

ભાજપે મિસ્ડ કોલથી ૧.૧૩ કરોડ સભ્યો નોંધેલા, જેમાંથી ૪૩ લાખનો પત્તો ન લાગ્યોઃ આ વખતે પદ્ધતિમાં ફેરફાર

ગુજરાતમાં દોઢ કરોડથી વધુ લોકોના ફોન નંબર, સરનામુ, જ્ઞાતિ સહિતની માહિતી આંગળીના ટેરવે કરી લેવાની યોજના : ૮૯૮૦ ૮૦૮૦૮૦ ઉપર ફોન કરવાથી ઓનલાઈન ફોર્મ આવશે, તે ભરીને મોકલવાનું: એસ.એમ.એસ. અથવા પરંપરાગત લેખીત પદ્ધતિ (લેખિત ફોર્મ)થી પણ સભ્ય બની શકાશે

રાજકોટ, તા. ૨૫ :. ભાજપ દ્વારા દેશભરમાં ૬ જુલાઈથી ૧૧ ઓગષ્ટ સુધી સભ્ય નોંધણી ઝુંબેશ ચાલનાર છે. ભૂતકાળમાં ભાજપે ૧૧ કરોડ સભ્યો નોંધ્યાનો દાવો કરી વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી તરીકે નામના મેળવી હતી. હવે સંગઠનની નવેસરથી રચના કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. ગુજરાતમાં ગયા વખતે ૧.૧૩ કરોડ સભ્યો નોંધવામાં આવ્યાનું જાહેર કર્યુ હતું. આ વખતે ઓછામાં ઓછા દોઢથી પોણા બે કરોડ સભ્યો નોંધવાનો લક્ષ્યાંક છે. રાજ્યના સંગઠન પર્વ ઈન્ચાર્જ તરીકે પ્રદેશ ઉપપ્રમુખ ભાર્ગવ ભટ્ટ અને સંયુકત ઈન્ચાર્જ તરીકે પૂર્વ ગૃહમંત્રી રજનીભાઈ પટેલને જવાબદારી સોંપવામાં આવી છે. સૌરાષ્ટ્રના ઈન્ચાર્જ તરીકે પૂર્વ વનમંત્રી કિરીટસિંહ રાણા છે.

ગુજરાતમાં ૨૦૧૫માં ભાજપે મિસ્ડ કોલ પધ્ધતિથી ૧.૧૩ કરોડ સભ્યો નોંધ્યા હતા. જેમાં એક જ વ્યકિતએ એકથી વધુ ફોનથી મિસકોલ કર્યો હોય, સભ્ય બન્યા પછી તે નંબર કોઈપણ કારણસર બંધ થઈ ગયો હોય અથવા ગુજરાત બહારની વ્યકિતએ સભ્ય નોંધણી કરાવી હોય, અવસાન થઈ ગયુ હોય વગેરે કારણોસર ૪૩ લાખ જેટલા નોંધાયેલા કહેવાતા સભ્યોનો પત્તો લાગેલ નહી. ભાજપે ધારાસભા અને લોકસભાની ચૂંટણીમાં સભ્ય નોંધણી બાબતે ખરાઈ કરતા નોંધાયેલા સભ્યો અને વાસ્તવિક સભ્યોના આંકડા વચ્ચે મોટો તફાવત સામેલ આવેલ. મિસકોલ કરીને સંખ્યા વધી ગયાનો સંતોષ માનવાને બદલે નોંધાયેલા સભ્યોનો પાર્ટીને ચૂંટણી સહિતના પ્રસંગોમાં લાભ મળે તે માટે આ વખતે સભ્ય નોંધણી પદ્ધતિમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યો છે.

ભાજપના વર્તુળોના જણાવ્યા મુજબ એન્ડ્રોઈડ ફોનમાંથી ૮૯૮૦ ૮૦૮૦૮૦ નંબર ઉપર ફોન કરવાથી વ્યવસ્થા કેન્દ્રમાં તે નંબર નોંધાશે અને ઈન્ટરનેટ સુવિધાના માધ્યમથી ફોન કરનારના ફોનમાં ઓનલાઈન નોંધણી ફોર્મ દેખાશે. તેમાં નામ, સરનામુ, મોબાઈલ નંબર, જ્ઞાતિ વગેરે માહિતી ભરી ઓનલાઈન જ મોકલવાનું રહેશે. કોઈની પાસે આ પ્રકારનો ફોન ન હોય તો તે એસએમએસ દ્વારા વિગતવાર માહિતી આપી સભ્ય બની શકશે. ત્રીજો વિકલ્પ પરંપરાગત પદ્ધતિ મુજબ લેખીત ફોર્મ ભરીને સભ્ય બનવાનો છે. એસ.એમ.એસ. અને લેખીત રીતે આવેલા ફોર્મની માહિતી કાર્યકરો કાર્યાલયમાં ઓનલાઈન ભરી દેશે. પાર્ટી દ્વારા પ્રથમ પદ્ધતિ (ઓનલાઈન)નો ઉપયોગ કરવામાં આવે તે બાબત પર ભાર મુકવામાં આવ્યો છે. ફોર્મ ભરવા માટે ગુજરાતી સહિતની વિવિધ ભાષાઓનો વિકલ્પ પસંદ કરી શકાશે. એક જ ફોનમાંથી વધુમાં વધુ ૪ વ્યકિતની જ સભ્ય નોંધણી થઈ શકશે. સંગઠન પર્વની સાથે ભાજપ પાસે માહિતીનો મોટો સંગ્રહ એકત્ર થશે.

(1:15 pm IST)