Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

એકટમાં સંશોધન

NIA વિદેશમાં પણ તપાસ કરી શકશેઃ માત્ર સંગઠન જ નહિ શંકાસ્પદ પણ આતંકી જાહેર થશે

નવી દિલ્હી, તા.૨પઃ કેન્દ્રીય કેબિનેટે સોમવારે દેશ અને વિદેશમાં આતંકવાદી મામલામાં તપાસમાં એનઆઈએને વધુ મજબૂત બનાવવા માટે બે કાયદાને મંજૂરી આપી દીધી છે. કેબિનેટે ગેરકાયદેસર ગતિવિધિ (રોકથામ) કાયદામાં સંશોધનને મંજૂરી આપી દીધી છે, જેનાથી આતંકવાદમાં સંલિપ્ત લોકોને આતંકવાદી જાહેર કરી શકાશે. તેમજ એનઆઈએ કાયદામાં સંશોધનના પ્રસ્તાવને પણ મંજૂરી આપવામાં આવી છે, જેથી એજન્સીને સશકત બનાવી શકાય. આ સંશોધન બાદ એજન્સી ભારતની બહાર પણ ભારતીય નાગરિકો કે તેમના હિતોને નુકસાન પહોંચવાની સ્થિતિમાં કેસ નોંધી તપાસ કરી શકશે.

રાષ્ટ્રીય તપાસ એજન્સી (સંશોધન) બિલ આવ્યા બાદ એ મામલાઓનો વિસ્તાર વધી જશે, જેની એજન્સી તપાસ કરી શકે છે. એનઆઈએ એકટમાં ઘણા નવા ગુનાઓને પણ જોડવામાં આવી રહ્યા છે. તેમાં ઈન્ફોર્મેશન ટેકનોલોજી એકટ, ૨૦૦૦ની કલમ ૬૬ એફ અંતર્ગત નોંધાયેલા ગુના સાઈબર ટેરરિઝમની સાથે-સાથે કલમ ૩૭૦ અને ૩૭૧ અંતર્ગત આવતા માનવ તસ્કરીથી સબંધિત આઈપીસી ગુનો પણ સામેલ છે, જેમાં મોટાભાગે આંતરાજય અને આંતરાષ્ટ્રીય લિંક હોય છે. એનઆઈએ કાયદો અને ગેરકાયદેસર ગતિવિધિ (રોકથામ) કાયદાને સંશોધિત કરવા માટે આગામી કેટલાક દિવસોમાં સંસદમાં અલગ-અલગ બિલ લાવવામાં આવશે.

એનઆઈએ (સંશોધન) બિલના ડ્રાફ્ટ મુજબ, એજન્સીને કોઈ રાજયમાં સર્ચ માટે ઉચ્ચ પોલીસ અધિકારીની મંજૂરી લેવાની જરૂર નહીં રહે. જોકે, એનઆઈએને અત્યારે પણ તપાસ પહેલા કોઈની મંજૂરી લેવાની નથી હોતી, જયાં સુધી કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ખરાબ થવાની આશંકા ન હોય. તો, ગેરકાયદેસર ગતિવિધિ (રોકથામ) કાયદામાં પ્રસ્તાવિત સંશોધનથી સરકાર આતંકવાદ સાથે જોડાયેલા લોકો (લશ્કર-એ-તૈયબાના ચીફ હાફિઝ સઈદ અને જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહર)ને આતંકવાદી જાહેર કરી શકશે. હાલમાં માત્ર સંગઠનોને 'આતંકવાદી સંગઠન' જાહેર કરવામાં આવે છે.

અન્ય એક પ્રસ્તાવિત સંશોધન એનઆઈએ કોર્ટના એક જજને તેમના નામને પબદલે તેમના પદથી નામિક કરવાની સુવિધા આપે છે. કોઈ વ્યકિતને 'આતંકવાદીઓની યાદી' માં સામેલ કરવા પર તેના પર ટ્રાવેલ પ્રતિબંધ લગાવવામાં મદદ મળે ચે અને એવા લોકોની ફંડ અને બાકી સુવિધાઓ સુધી પહોંચ સીમિત થઈ જાય છે. ફાઈનાન્શિયલ એકશન ટાસ્ક ફોર્સ (એએફટીએફ)ના માપદંડો મુજબ, સભ્ય રાષ્ટ્રોના કાયદા, સંયુકત રાષ્ટ્રના કાયદાને અનુરૂપ હોવા જોઈએ, જેમાં વ્યકિતઓને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાની જોગવાઈ હોય.

(11:43 am IST)