Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

બેંક ખાતા ખોલવા અને મોબાઈલ ફોન કનેકશન મેળવવા

આઇડી પ્રુફ તરીકે આધારના વૈકલ્પિક ઉપયોગનો ખરડો રજૂ

નવી દિલ્હી, તા.૨પઃ બેંક ખાતા ખોલવા અને મોબાઈલ ફોન કનેકશન મેળવવા ઓળખના પુરાવા તરીકે 'આધાર'નો ઉપયોગ કરવાનો વિકલ્પ આપતું વિધેયક સોમવારે લોકસભામાં દાખલ કરવામાં આવ્યું હતું. સૂચિત વિધેયક પછી આધાર એકટ ૨૦૧૬માં બદલાવ કરવામાં આવશે અને માર્ચમાં બહાર પાડવામાં આવેલો વટહુકમનું સ્થાન લેશે. ધારાધોરણોનો ભંગ કરવા બદલ કડક પગલાની સૂચિત વિધેયકમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. સૂચિત વિધેયકનો આરએસપીના સાંસદ એન. કે. પ્રેમચંદ્રને વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આધાર પર સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાનું ઉલ્લંદ્યન થઈ રહ્યું છે. પ્રેમચંદ્રને દાવો કર્યો હતો કે ખાનગી કંપનીઓ ગુપ્ત ડેટા મેળવી લેશે અને ગુપ્તતાનો હક સહિતના મૂળભૂત અધિકારોનો ભંગ થશે.

કેન્દ્રીય આઇટી પ્રધાન રવિશંકર પ્રસાદે આરએસપીના સાંસદની રજૂઆતના પ્રતિભાવમાં કહ્યું હતું કે, આધાર કાયદો રાષ્ટ્રહિતમાં છે અને વ્યકિતની ગુપ્તતાનો ભંગ કરતો નથી. તેમણે કહ્યું કે, ૬૦ કરોડથી વધુ લોકોએ મોબાઈલ સિમ કાર્ડ આધાર દ્વારા મેળવ્યા છે અને હવે તે ફરજિયાત પણ નથી. તેમણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટના ચુકાદા અનુસાર સુચિત આધાર વિધેયક છે.

વાસ્તવિક આધાર નંબર છુપાવવો હોય તો વૈકલ્પિક 'વર્ચ્યુઅલ આઇડેન્ટિ નંબર'પણ ઉપયોગ થઈ શકે તેવી જોગવાઈ સૂચિત વિધેયકમાં કરવામાં આવી છે.

આધાર કાયદાની જોગવાઈઓનો ભંગ કરવા બદલ ૧ કરોડ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે તેવી જોગવાઈ સૂચિત વિધેયકમાં કરવામાં આવી છે.

કોઈ વ્યકિતની ઓળખનો બિનઅધિકૃત ઉપયોગ કરનારાઓને ત્રણ વર્ષ સુધીની જેલની સજા અને દંડ થઈ શકે છે. સેન્ટ્રલ આઇડેન્ટિટીઝ ડેટા રિપોઝિટરીમાં રહેલો ડેટા બિનઅધિકૃત રીતે મેળવવાનો પ્રયત્ન કરનારાને અને ડેટામાં છેડછાડ કરનારાઓને હાલમાં ત્રણ વર્ષની સજાની રાખવામાં આવી છે તે વધારીને દસ વર્ષ કરવાની જોગવાઈ સૂચિત ખરડામાં રાખવામાં આવી છે.

(11:41 am IST)