Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

કર્ણાટક સરકાર સંકટમાં: ભાજપને તક અથવા રાષ્ટ્રપતિ શાસન

ગઈ ચૂંટણીને હજુ ૧૩ મહિના થયા ત્યાં મધ્યસત્રી ચૂંટણીના ડોકિયાઃ રાજ્યપાલ વજુભાઈની ભૂમિકા ફરી મહત્વની બનવાના સંજોગોઃ જે.ડી.એસ.થી કોંગ્રેસ છેડો ફાડવાની તૈયારીમાં: કોંગીના ધારાસભ્યોનું એક જુથ સામુહિક રાજીનામાની વિચારણામાં: બે નવા મંત્રીઓને અઠવાડિયુ થઈ ગયુ છતા ખાતા ફાળવાયા નથી

રાજકોટ, તા. ૨૫ :. કર્ણાટકમાં ૧૩ માસ જૂની જનતા દળ એસ અને કોેંગ્રેસની સંયુકત સરકાર પર આંતરીક સંઘર્ષના કારણે સંકટના વાદળો ઘેરાયા છે. કોંગ્રેસે ગમે ત્યારે સરકારમાંથી નીકળી જવાના સંકેત આપ્યા છે. રાજ્યની રાજકીય સ્થિતિ પ્રવાહી થવા તરફ છે. નજીકના દિવસોમાં ભાજપને ફરી સરકાર રચવાની તક મળે અથવા રાષ્ટ્રપતિ શાસન આવી પડે તેવી શકયતા પ્રબળ છે. ગઈ સામાન્ય ચૂંટણીને ૧૩ મહિના થયા છતા મધ્યસત્રી ચૂંટણીની શકયતા ડોકાવા લાગી છે. ગુજરાતી રાજ્યપાલ વજુભાઈ વાળાની ભૂમિકા ફરી એક વખત નિર્ણાયક બને તેવા સંજોગો છે.

કર્ણાટકમાં ગઈ વિધાનસભાની ચૂંટણીમાં ૨૨૪ બેઠકો પૈકી સૌથી વધુ ૧૦૪ બેઠકો ભાજપને મળી હતી. પૂર્ણ બહુમતી ન હોવા છતા યદુરપ્પાએ સરકાર રચવા દાવો કરેલ અને સરકાર રચી હતી. સામેની તરફ ૭૯ સભ્યોવાળી કોંગ્રેસ અને ૨૮ સભ્યો સાથે કુમારસ્વામીની જનતા દળ એસ પાર્ટી એક થઈ જતા ભાજપ બહુમતી પુરવાર કરી શકેલ નહિ તેથી યદુરપ્પાએ બે દિવસમાં જ રાજીનામુ આપવુ પડયુ હતું. ત્યાર બાદ કોંગ્રેસ અને જનતા દળે ભેગા મળી કુમારસ્વામીના નેતૃત્વમાં મે ૨૦૧૮માં સરકાર બનાવેલ તે અત્યારે સત્તા પર છે. બન્ને પક્ષો વચ્ચે વિખવાદ વધતો જાય છે. બે અપક્ષોનો ટેકો મેળવવા મુખ્યમંત્રીએ તેમને મંત્રી બનાવ્યા છે. શપથના અઠવાડીયા પછી પણ હજુ તેને ખાતા ફાળવી શકાયા નથી.

લોકસભાની હમણાની ચૂંટણીમાં કર્ણાટકની ૨૮ બેઠકો પૈકી ૨૭ બેઠકો ભાજપને મળી છે. કુમારસ્વામીની સરકારની નબળી કામગીરીને કારણે કોંગ્રેસને નુકશાન થયાનું કોંગ્રેસના નેતાઓનું માનવુ છે. સરકારમાં જોડાયેલા રહેવા અને છૂટા પડવા બાબતે કોંગ્રેસમાં પણ બે મત છે. કોંગીના પૂર્વ મુખ્યમંત્રી સિધ્ધરામૈયાના ટેકેદારો સામુહિક રાજીનામુ આપવાની વિચારણામાં છે. જો વીસેક ધારાસભ્યો રાજીનામુ આપે તો બાકી રહેલા ૨૦૦ જેટલા ધારાસભ્યોમાં સૌથી મોટા પક્ષ તરીકે ૧૦૪ સભ્યો સાથે ભાજપની આપોઆપ બહુમતી થઈ જાય. આમ થાય તો કોઈના ટેકા વગર ભાજપને સરકાર રચવાનો માર્ગ મોકળો મળે. કોંગ્રેસ સરકારમાંથી અલગ પડી બહારથી કુમારસ્વામીને ટેકો આપે અથવા કુમારસ્વામી કોંગ્રેસને બહારથી ટેકો આપે તે વિકલ્પ નષ્ટ થયો નથી. કોઈ પક્ષ સરકાર રચવાની સ્થિતિમાં ન રહે તો રાષ્ટ્રપતિ શાસન એક માત્ર વિકલ્પ છે. હાલ રાષ્ટ્રપતિ શાસન મુકી મધ્યસત્રી ચૂંટણી કરાવવા તરફ કેન્દ્ર સરકાર ઈચ્છુક હોવાનું કહેવાય છે. પ્રવાહી રાજકીય સ્થિતિમાં ફરીથી જનાદેશ માંગવાનો વિકલ્પ સૌથી વધુ સંભાવનાવાળો દેખાય છે તેમ રાજકીય સમીક્ષકોનું માનવુ છે.

(11:38 am IST)