Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

બેંકોએ માંડવાળ કર્યા રૂ. ૬,ર૪,૭૭૯ કરોડઃ રોજના ૧૭૧ કરોડ

બેંકોની હાલત કફોડીઃ રોજ ર વ્યકિત વિલફુલ ડિફોલ્ટર જાહેર થાય છેઃ ૧૦ વર્ષમાં લોન માંડવાળ કરવાનું પ્રમાણ ૧૮ ગણુ વધ્યુઃ જાણી જોઇ લોન નહિ ભરનારાની સંખ્યા ૩ વર્ષમાં ૩ર૩૩ જેટલી વધીઃ કુલ ૮પ૮ર

મુંબઇ તા. રપ :.. ભારત સરકાર અને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડીયા (આરબીઆઇ) દેશની પ્રજાને વારંવાર જણાવી રહી છે કે સરકારની માલિકીની જાહેર ક્ષેત્રોની બેન્કોની હાલત સ્થિર છે, સુધરી રહી છે, પરંતુ જે પ્રકારની વિગતો બહાર આવી રહી છે એ જણાવે છે કે બેન્કોની હાલત કફોડી છે.

એક ૧૦ વર્ષમાં દેશની સરકારી બેન્કોએ કુલ ૬,ર૪,૭૭૯ કરોડ રૂપિયાની લોનની રકમ માંડવાળ કરી છે એટલે રોજના ૧૭૧ કરોડ રૂપિયાની રકમની માંડવાળ ભારતમાં થાય છે. માંડવાળ એટલે કે હવે આ લોન પાછી નહીં આવે એમ માની લેવું. આમ તો લગભગ ર૦૦ લાખ કરોડ રૂપિયાના ભારતીય અર્થતંત્રમાં આ રકમ બહુ મોળી ન ગણાય, પણ પરિપ્રેક્ષ્યમાં જોઇએ તો છેલ્લા ૧૦ વર્ષમાં ભારતની ટેકસ સિવાયની કરની આવક માત્ર પ૪,૦૪પ કરોડ રૂપિયા વધી છે.

બીજું, બેન્કિંગ ક્ષેત્રમાં કોઇ એક વ્યકિત, કંપની કે પેઢી પોતે લીધેલી લોન ભરપાઇ નહીં કરે તો એને કારણે અન્યને પણ સહન  કરવાનો વારો આવે છે. દેશમાં જાણી જોઇને લોન પાછી નહીં કરી શકતા લોકોની સંખ્યા ત્રણ વર્ષમાં ૩,ર૩૩ જેટલી વધી અને ર૦૧૮-૧૯ ના અંતે ૮,પ૮ર થઇ છે. એટલે કે દરરોજ બે વ્યકિત વિલફુલ ડિફોલ્ટર જાહેર થયા છે.

લોકસભામાં સોમવારે એક સવાલના જવાબમાં નાણાપ્રધાને ચોંકાવનારી વિગતો  જાહેર કરી છે. આ વિગત અનુસાર છેલ્લા ૧૦ નાણાકીય વર્ષમાં બેન્કોએ આપેલી લોન પાછી ભરપાઇ નહીં થાય તો માંડવાળ કરવી પડે છે. અને આ માંડવાળનું પ્રમાણ છેલ્લા ૧૦ વર્ષમાં ૧૮ ગણુ વધ્યું છે. ર૦૦૯-૧૦ માં બેન્કોએ કુલ ૧૧,૧૮૯ કરોડ રૂપિયાની લોનની માંડવાળ કરી હતી અને ર૦૧૮-૧૯ માં એ વધીને ૧,૯૯,૮૪૯ કરોડ રૂપિયા સુધી પહોંચ્યું છે. આ આંકડાઓમાં માત્ર જાહેર ક્ષેત્રની બેન્કોની વિગત જ આપવામાં આવી છે અને પ્રાઇવેટ બેન્કોએ કરેલી માંડવાળનો એમાં સમાવેશ નથી.

હજી વધારે વિગતવાર જોઇએ તા. ર૦૧૮-૧૯ દરમ્યાન સરકારી બેન્કોએ કુલ ૧,૯૯,૮૪૯ કરોડ રૂપિયાની રકમની લોન માંડવાળ કરી છે અને સામે છેલ્લા બે વર્ષમાં નાદારીના કાયદામાં ચાલતા કેસમાં કુલ વસુલાત ૧,૯૪,પ૦૦ કરોડ રૂપિયાની થઇ છે. એટલે કે બેન્કોએ જે વસુલાત કરી એના કરતાં વધારે રકમની માંડવાળ કરવાની ફરજ પડી છે. અહીં નોંધવું જોઇએ કે વસુલાતનો આંકડો પૂરો નથી, માત્ર નાદારીના કાયદા હેઠળ થયેલી વસુલાતનો જ છે.

લોકસભામાં રજૂ થયેલા જવાબ અનુસાર સૌથી મોટી માંડવાળ કરવામાં દેશની સૌથી મોટી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયા અગ્રણી છે. ર૦૦૯-૧૦ માં કુલ માંડવાળમાં પાંચમો હિસ્સો (એટલે કે ર૦ ટકા) સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયાનો હતો, જે હવે ર૦૧૮-૧૯ માં વધીને ત્રીજા ભાગની લોન (એટલે કે ૩૦ ટકા રકમ) થઇ છે. એટલું ચોકકસ છે કે ર૦૧૪-૧પ માં લગભગ અડધો હિસ્સો સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયાનો હતો જે હવે ઘટી રહ્યો છે.

વિલફુલ ડિફોલ્ટની સંખ્યા વધી

અન્ય એક સવાલના જવાબમાં નાણા મંત્રાલેય જણાવ્યું હતું કે 'દેશમાં વિલફુલ ડિફોલ્ટરની સંખ્યા વધી રહી છે. આ એવા લોકો છે જે બેન્કની દૃષ્ટિએ પોતાની પાસે લોન પાછી કરવાની ક્ષમતા હોવા છતાં જાણી જોઇને બેન્કોને નાણાં પાછા કરતા નથી. લોકસભામાં રજૂ થયેલા આંકડા અનુસાર દેશમાં ર૦૧૪-૧પમાં કુલ પ૩૪૯ આ પ્રકારના ડિફોલ્ટર હતા જે ર૦૧૮-૧૯માં વધીને ૮પ૮ર થયા છે.'

(11:30 am IST)