Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

નાની બચતની કેટલીક સ્કીમોના વ્યાજદર ઘટશે

જુલાઈથી સપ્ટેમ્બરના ગાળા માટે વ્યાજદર ઘટાડવા વિચારણા ૩૦ થી ૫૦ બેઝીઝ પોઈન્ટનો ઘટાડો શકયઃ રોકાણોને પ્રોત્સાહન આપવા માટે કેપીટલની કોસ્ટ ઘટાડવાનો હેતુઃ અર્થવ્યવસ્થાને મજબુતી આપવા ઘટાડો જરૂરી હોવાનું અનુમાન

નવી દિલ્હી, તા. ૨૫ :. સરકાર જુલાઈ-સપ્ટેમ્બરના સમયગાળા માટે નાની બચત યોજનાઓ પર વ્યાજ દરમાં ઘટાડો કરી શકે છે. મળતી માહિતી અનુસાર વ્યાજ દરોમાં ઘટાડાની અસરનો વ્યાપ વધારવા, મૂડી પડતર ઓછી કરવા અને લોન ફાળવણીની ઝડપ વધારવા માટે મોદી સરકાર આ પગલુ લઈ શકે છે. સરકાર આના દ્વારા અર્થતંત્રને મજબુત કરવા ઈચ્છે છે. ફકત થોડીક નાની યોજનાઓ પર જ વ્યાજ ઘટાડવામાં આવશે અને તેમાં કાપનો આધાર ૩૦ થી ૩૫ આધાર અંક હોય શકે છે. આ પહેલા સરકારે જાન્યુઆરી-માર્ચના ત્રિમાસીક ગાળામાં આ યોજનાઓ પર વ્યાજ ઘટાડયુ હતુ અને એક વર્ષ, બે વર્ષ અને ત્રણ વર્ષની મુદ્દતની ટાઈમ ડીપોઝીટ માટેના વ્યાજ દરો સરખા કરી દેવાયા હતા. એપ્રિલ-જૂનના સમયગાળા માટે વ્યાજ દર જેમના તેમ રાખવામાં આવ્યા હતા.

નાની યોજનાઓના વ્યાજમાં ઘટાડાની શકયતાઓ પર એક અધિકારીએ કહ્યું 'આ સરકાર રોકાણને વધુમાં વધુ પ્રોત્સાહન આપવા માટે મૂડી પડતર ઘટાડવા પર હંમેશા ભાર મુકતી રહી છે. ભારતીય રિઝર્વ બેન્ક પણ નીતિગત દરો ત્રણવાર ઘટાડી ચુકી છે, જે સરકારની આ નીતિ જ દર્શાવે છે. હવે વ્યાજ દરોમાં ઘટાડાનો લાભ દરેક ખૂણે પહોંચાડવા માટે નાની બચત યોજનાઓના દરો ઘટાડાશે.'

જુલાઈ-સપ્ટેમ્બર માટે નાની બચતના દરોની અધિસૂચના નાણા મંત્રાલયમાં આર્થિક બાબતોનો વિભાગ અને સપ્તાહના અંતમાં અથવા આગામી સપ્તાહમાં કરી શકે છે. આરબીઆઈ ગવર્નર શકિતકાંત દાસની અધ્યક્ષતાવાળી મૌટ્રિક નીતિ સમિતિ (એમપીસી)એ જૂનના પહેલા સપ્તાહમાં મૌટ્રિક નીતિ બેઠકમાં નીતિગત દર ૨૫ આધાર અંક ઘટાડી હતી. આ છેલ્લા ઘટાડા પછી રેપો રેટ હવે ૫.૭૫ ટકા થઈ ગયો છે. ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં આરબીઆઈ ત્રણવાર દર ઘટાડી ચૂકી છે.

(11:30 am IST)