Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

ખેડૂતોને સામાજીક સુરક્ષા પેન્શન આપવા માટે નવી યોજના

નાના અને સીમાંત ખેડૂતોને મળશે લાભ

નવી દિલ્હી તા.૨૫: કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે એક પ્રશ્નના લેખિત જવાબમાં કહ્યું કે સરકારે બધા નાના અને સીમાંત ખેડુતો માટેની એક પેન્શન યોજનાને મંજુરી આપી છે. તેમાં કેટલીક શરતો હશે.આ યોજનાનો ઉદ્દેશ એવા ખેડૂતોને ઘડપણમાં એક લઘુતમ સહારો આપવાનો છે જે કોઇ ખાસ બચત કરી નથી શકતા આ યોજના તેમની આજીવિકાનું સાધન ખતમ થવાની પરિસ્થિતીમાં તેમની મદદ કરશે.

તેમણે પોતાના જવાબમાં કહ્યું, ''આ યોજનાની પાત્રતા ધરાવતા ખેડુતોને ૬૦ વર્ષની ઉમર પછી દર મહિને ૩૦૦૦ રૂપિયાનું લઘુતમ પેન્શન આપવાની જોગવાઇ છે. આ એક સ્વૈચ્છિક અને અંશદાયી પેન્શન યોજના છે જેમાં ૧૮ થી ૪૦ વર્ષ સુધી જોડાઇ શકાય છે. લાભાર્થી જીવન વિમા નિગમ (એલઆઇસી) દ્વારા પ્રબંધિત પેન્શન ફંડનું સભ્યપદ લઇને યોજનાના સભ્ય બનવાનો વિકલ્પ પસંદ કરી શકે છે.''

આ યોજના કેવી રીતે કામ કરશે તેનું એક ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે લાભાર્થીએ ૨૯ વર્ષની યોજનામાં પ્રવેશના વર્ષથી આ ફંડમાં દર મહીને ૧૦૦ રૂપિયા આપવાના રહેશે અને કેન્દ્ર સરકાર તરફથી પણ ૧૦૦ રૂપિયાનું યોગદાન અપાશે.

(11:24 am IST)