Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

ઈરાન વિરુદ્ઘ ટ્રમ્પ થયા વધુ આકરાઃ લગાવ્યા વધુ કડક પ્રતિબંધ

અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ વધતો જઈ રહ્યો છે

વોશીંગ્ટન, તા.૨પઃ અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ વધતો જઈ રહ્યો છે. બંને દેશોમાં તણાવપૂર્ણ માહોલની વચ્ચે સોમવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર વધુ કડક પ્રતિબંધ લગાવવાની કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કરી દીધા. ટ્રમ્પે કહ્યું છે કે હવે ઈરાન પર પહેલાથી દ્યણા વધુ કડક પ્રતિબંધ લાગશે અને ઈરાનના સર્વોચ્ચ નેતા તથા અન્ય અધિકારીઓને બેન્કિંગ સુવિધાના લાભ લેવાથી રોકશે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા ઈરાને અમેરિકાના એક ડ્રોનને તોડી પાડવાનો દાવો કર્યો હતો. ડ્રોનને તોડવાના કારણે ભડકેલા ટ્રમ્પે ઈરાન પર હુમલાનો આદેશ આપી દીધો હતો, પરંતુ બાદમાં તેમણે આ આદેશ પરત પણ લઈ લીધો હતો.

સોમવારે મીડિયા સાથે વાત કરતાં અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું કે, અમે ઈરાન કે બીજા કોઈ દેશની સાથે સંદ્યર્ષ નથી ઈચ્છતા. પરંતુ અમે કયારે પણ ઈરાનને પરમાણુ હથિયાર બનાવવા નહીં દઈએ. તેઓએ એમ પણ કહ્યું કે અન્ય દેશોને ખાડીમાં પોતાના તેલ ટેન્કરોની સુરક્ષા જાતે કરવી જોઈએ.

હાલમાં ઈરાન અને અમેરિકાની વચ્ચે પરમાણુ સમજૂતીને લઈને તણાવ વધ્યો છે. ગયા વર્ષે અમેરિકાએ ઈરાન પરમાણુ સમજૂતીથી પોતાને અલગ કરી દીધું હતું. અમેરિકા ઈરાન પર સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવતું રહ્યું છે.

(11:24 am IST)