Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

કોંગ્રેસના તમામ હોદ્દા પરથી સૌરાષ્ટ્રના દિગ્ગજ કોંગ્રેસી નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ રાજીનામું ફગાવ્યું : GPCC દ્વારા તેમના ૨૨ કોર્પોરેટરોને નોટીસ આપવાની વાત થતા આ પગલું ભર્યું : સૌરાષ્ટ્રમાં રાજકીય ગરમાગરમીના એંધાણ

પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું " મોદી - રૂપાણી - અમિતભાઈની કોઈની તેવડ નથી કે મારા પર દબાણ કરી શકે - કુંવરજીભાઈ દુરાગ્રહ અને દબાણની રાજનીતિમાં માને છે"

રાજકોટ : રાજકોટના પૂર્વ ધારાસભ્ય અને રાજકોટ શહેર કોંગ્રેસના અધ્યક્ષ શ્રી ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દેતા સૌરાષ્ટ્રના રાજકારણમાં  ખળભળાટ મચી ગયો છે. અકીલાએ શ્રી ઇન્દ્રનીલ રાજ્યગુરુનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરતા તેઓ પ્રત્યક્ષ મળી શક્યા ન હતા.

આજે મોડી સાંજે અમુક પત્રકારો સાથે વાતચીત કરતા શ્રી રાજયગુરુએ જણાવ્યું હતું કે " કોંગ્રેસ - GPCCની કાર્ય પધ્ધતી સામે મારો વાંધો છે. જે રીતે કોંગ્રેસમાં કર્મીષ્ઠ કાર્યકરો અને નેતાઓની અવગણના થઈ રહી છે, તેની સામે મારો વાંધો છે. ભાજપની સામે બાથ ભીડનારા અમારા ૨૨ કોર્પોરેટરોને GPCC દ્વારા નોટીસ દેવાની વાત થઈ રહી છે, તેના વિરોધમાં હું આ પગલું ભરું છુ."

પત્રકારોના બીજા સવાલોના જવાબ દેતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે :

"કોંગ્રેસ શ્રેષ્ઠ સાધન છે રાજકીય સેવા માટે"

"આવતા ૭ - ૮ જન્મ સુધી ભાજપ સુધરવાનો નથી, એટલે એમાં નજ જોડાય શકું." 

"કુંવરજીભાઈ દુરાગ્રહ અને દબાણની રાજનીતિમાં માને છે." 

"હું કોઈ પાર્ટી સાથે નહીજ જોડવ, પણ રાજકીય રીતે સક્રિય રહીને બીજી અનેક રીતે લોકસેવાના કર્યો માટે વિચારીશ."

" મોદી - રૂપાણી - અમિતભાઈની કોઈની તેવડ નથી કે મારા પર દબાણ કરી શકે."

" લોકસભાની ચુંટણીને ધ્યાનમાં રાખીને મારો આ નિર્ણય નથી, પરંતુ મારા ૨૨ કોર્પોરેટરો, જે મારી સાચી વાતમાં સાથે ઉભા રહ્યા હતા તેને GPCCએ નોટીસ દેવાની વાત કરી, તેની સામે મારો વિરોધ છે."

તો આ સાથેજ અટકળોનો દોર તેજ થઈ ગયો છે કે શ્રી ઇન્દ્રનીલ રાજ્યગુરુના રાજીનામાં પછી, હવે અન્ય કોંગ્રેસી નેતાઓ અને કાર્યકરો પણ, કોઇપણ સમયે રાજીનામા ફગાવશે. શ્રી રાજયગુરૂના રાજીનામાથી કોંગ્રેસનો આંતરીક કલેશ જાહેરમાં આવી ગયો છે. આ પહેલા કુવરજીભાઈ બાવળિયા અને શ્રી પીરઝાદાએ પણ પોતાની ભારે નારાજગી મોવડી મંડળ સમક્ષ રજુ કરી હતી. આ સાથેજ સૌરાષ્ટ્રમાં રાજકીય ગરમાગરમીના એંધાણ વર્તાય રહ્યા છે.

 

(9:47 pm IST)