Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

અમદાવાદ-મુંબઈના હાઈવે પર વાહનોની લાંબી લાઈનો

વિરાર અને સુરત વચ્ચે પણ સેવા ખોરવાઈ ગઇ : હાઈવે ઉપર પાણી ભરાઈ જવાના કારણે લોકો અટવાયા

મુંબઇ,તા. ૨૫ : દેશના વાણિજ્ય પાટનગર મુંબઈમાં ભારે વરસાદના પરિણામ સ્વરુપે વાહન વ્યવહારને માઠી અસર થઇ છે. નેશનલ હાઈવે-૮ મુંબઈ-અમદાવાદ પર જળબંબાકારની સ્થિતિના લીધે વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. આશરે સાત કિલોમીટર સુધી વાહનોની લાંબી લાઈનો લાગતા પેસેન્જર ગાડીઓમાં રહેલા લોકો અટવાઈ પડ્યા હતા. અનેક જગ્યાઓએ ઘુંટણ સુધીના પાણઈ ભરાઈ ગયા હતા. અનેક જગ્યાએ વાહનો બંધ પડી ગયા હતા. ભારે વરસાદના પરિણામ સ્વરુપે મુંબઈથી ઉપડતી અને ગુજરાતના જુદા જુદા ભાગો સુધી આવતી ટ્રેન સેવાને અસર થઇ હતી જેના લીધે લોકો જુદી જુદી જગ્યાઓએ અટવાઈ પડ્યા હોવાના અહેવાલ મળ્યા છે. ભારે વરસાદના લીધે મુંબઈ-અમદાવાદ રાજમાર્ગ ઉપર વાહનો ખોરવાઈ પડતાં તેની માઠી અસર જોવા મળી રહી છે. વિરાર અને સુરત વચ્ચે ભારે વરસાદના પરિણામ સ્વરુપે બાંદરા ટર્મિનસ, દાદર ટર્મિનસ અને મુંબઈ સેન્ટ્રલ પર આવનાર તમામ ટ્રેનો મોડેથી પહોંચી રહી છે. આ સ્થિતિમાં સુધારો ધીમે ધીમે થઇ રહ્યો છે. અનેક જગ્યાઓએ ટ્રાફીક ડાયવર્ઝનની સ્થિતિ સર્જાઈ છે.  વરસાદના કારણે દાદરના ટીટી સર્કલ અને હિન્દ માતા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતા. આ ઉપરાંત ખાર સબવે, અંધેરી સબ વે અને મલાડ સબવેમાં પાણી ભરાઇ જવાના કારણે ટ્રાફિક પર પ્રતિકુળ અસર થઇ હતી. હવામાન વિભાગે માહિતી આપતા કહ્યુ છે કે પૂર્વીય ઉપનગરમાં ૧૨૨  મીલીમીટર વરસાદ થયો છે. પશ્ચિમ ઉપનગરીયમાં ૧૪૧ મીલીમીટર વરસાદ થયો છે. તમામ લોકલ ટ્રેનો ૧૫-૨૦ મિનિટ મોડેથી ચાલી રહી છે. ગુજરાતના જુદા જુદા ભાગોમાં પણ ભારે વરસાદ થયો છે. વડોદરામાં પણ ભારે વરસાદના લીધે જનજીવન ઉપર અસર થઇ છે અને મુંબઈ સાથે કનેક્શનને અસર થઇ છે.

(7:24 pm IST)