Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

ભારત અને સેશલ્સ વચ્ચે છ સમજૂતિ ઉપર હસ્તાક્ષર થયા

મોદી અને સેશલ્સના પ્રમુખ વચ્ચે શિખર બેઠક : નૌસેનાના અડ્ડાના નિર્માણને લઇને બંને દેશો વચ્ચે સંમતિ

નવીદિલ્હી,તા. ૨૫ : ભારત અને સેશલ્સ વચ્ચે નૌસેના સેન્ટર બનાવવાને લઇને આજે મહત્વપૂર્ણ સમજૂતિ થઇ હતી. એકબીજાઓની ચિંતાઓને ધ્યાનમાં લઇને લેવલબેઝ બનાવવાના પ્રોજેક્ટ ઉપર પણ સેશલ્સ સંમત થયું છે. સેશલ્સના પ્રમુખની ભારત યાત્રા દરમિયાન બનેલી આ સહમતિ ખુબ મહત્વપૂર્ણ છે. કારણ કે, થોડાક દિવસ પહેલા જ સેશલ્સે ભારતની સાથે પોતાના અસમ્પશન આઈલેન્ડ ઉપર નૌસૈનિક અડ્ડા બનાવવાને લઇને સમજૂતિને રદ કરવાની જાહેરાત કરી હતી પરંતુ હવે તમામ ચિંતાઓ દૂર થઇ ગઈ છે. સેશલ્સના પ્રમુખ સાથે વાતચીત કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, અમે એકબીજાના અધિકારોની માન્યતાના આધાર પર આગળ વધી રહ્યા છીએ. અસપ્પશન આઈલેન્ડમાં મળીને કામ કરવા ઉપર સહમતિ થઇ છે. સેશલ્સના પ્રમુખ ડેની ફોરે કહ્યું હતું કે, આ આઈલેન્ડ પ્રોજેક્ટ ઉપર ચર્ચા થઇ છે. બંને દેશો એકબીજાના હિતોને ધ્યાનમાં રાખશે. થોડાક દિવસ પહેલા જ પ્રમુખ ડેની ફોરે કહ્યું હતું કે, જ્યારે તેઓ ભારત જશે ત્યારે વડાપ્રધાન મોદી સાથેની વાતચીત દરમિયાન આ આઈલેન્ડ પ્રોજેક્ટને લઇને વાતચીત કરશે નહીં. સેશલ્સના આ પગલાને ભારતની રાજદ્વારી નિષ્ફળતા તરીકે જોવામાં આવી રહી હતી. હવે બંને દેશો વચ્ચે સહમતિ સધાઈ રહી છે. જો ભારત માટે સંરક્ષણના ક્ષેત્રમાં ખુબ સારી સિદ્ધિ તરીકે છે. લેવલબેઝ ભારત માટે ખુબ મહત્વપૂર્ણ છે. હિંદમહાસાગરમાં આ પ્રોજેક્ટથી ભારતને ફાયદો થશે. મોદીએ કહ્યું હતું કે, અમે લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતોનું સન્માન કરીએ છીએ. હિંદ મહાસાગરમાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતા કાયમ રાખવા માટે કટિબદ્ધ છીએ. ભારત અને સેશલ્સ વચ્ચે આજે છ સમજૂતિ ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. મોદી અને ડેની ફોર વચ્ચે યોજાયેલી બેઠક બાદ આ સમજૂતિ ઉપર હસ્તાક્ષર થયા હતા જેમાં સુરક્ષા અને ડિફેન્સને લઇને પણ સમજૂતિનો સમાવેશ થાય છે. ડેની ફોરે મોદીની દુરદર્શીતાની પ્રશંસા કરી હતી. ભારતે સેશલ્સને દરિયાઇ સુરક્ષા ક્ષમતા વધારવા માટે ૧૦ કરોડ ડોલર આપવાની જાહેરાત કરી છે.

(7:24 pm IST)