Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

ભારે વરસાદથી પુલ ડેમેજ થતાં મુંબઇ-ગોવા હાઇવે બંધ કરાયો

ભારે વરસાદથી બ્રિજ પડી ભાંગ્યો : મુંબઇ - ગોવા હાઇવે પર વાહનોના થપ્પેથપ્પા

રાયગઢ તા. ૨૫ : સતત એક દિવસથી વરસી રહેલા વરસાદના કારણે મુંબઈ ગોવા વચ્ચે કરનાળ નજીક એક બ્રિજ પાણીમાં ધોવાઈ ગયો હતો. જેથી બંને તરફથી વાહનોની અવરજવર અટકાવી દેવાની ફરજ પડી છે. જેના કારણે મુંબઈ-ગોવા હાઈવે પર વાહનોના થપ્પા લાગી ગયા છે. લાંબી લાઇનના કારણે અનેક પ્રવાસીઓ રસ્તામાં જ અટવાઈ જતા મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

અરબ સમુદ્રમાં સર્જાયેલ સાઇકલોનિક સીસ્ટમના કારણે મુંબઈ સહિત રાજયના દરિયાઈ વિસ્તારમાં ગઈકાલથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેના પરિણામે આજે સવારે ૮ વાગ્યાની આસપાસ કરનાળ નજીક એક જર્જરીત બ્રિજ તૂટી જતા મુંબઈથી ગોવા અને ગોવાથી મંબઈ આવતોજતો તમામ ટ્રાફિક પૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે. ત્રણ કલાક થઈ ગયા છતા સતત શરૂ વરસાદના કારણે અન્ય વૈકલ્પિક વ્યવસ્થાના અભાવે રોડ પર સેંકડો કિલોમીટર લાંબી વાહનોની લાઈન લાગી ગઈ છે.

બહાર વરસતા સતત ભારે વરસાદને કારણે તેમજ રોડ બંધ થવાથી લાંબી લાઈનમાં થપ્પા લાગી જવાના કારણે કોઈ વાહન રિવર્સ ન લઇ શકે તેમ હોવાથી પ્રવાસીઓને પોતપોતાના વાહનોમાં જ અટવાઈ રહેવું પડ્યું છે. જોકે તંત્ર દ્વારા ધીરે ધીરે હાલ ટ્રાફિકને અન્ય વૈકલ્પિક રસ્તે ડાઇવર્ટ કરવામાં આવી રહ્યો છે. પરંતુ જે રીતે આ રોડ પર ટ્રાફિક જામ છે તે જોતા વૈકલ્પિક રસ્તે પણ મોટા પ્રમાણમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય તો નવાઈ નહીં.

(3:27 pm IST)