Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

હવે નીતિશ આકરાપાણીએ : NDAને કરશે રામ રામ !

ટીડીપી, પીડીપી બાદ હવે જેડયુ છેડો ફાડવાના મૂડમાં : ટિકિટ વ્હેંચણીના મુદ્દે અત્યારથી ડખ્ખો : બિહારમાં ભાજપ નીતિશ વગર જીતી શકે તેમ નથી : જો ભાજપ ન માને તો ટાટા..બાય...ની છૂટ : જેડીયુ

પટણા તા. ૨૫ : ૨૦૧૯માં લોકસભા ચુંટણી માટે સીટ ફાળવણી પર બિહારમાં સત્તારૂઢ ભાજપ - જેડીયુ ગઠબંધનની લડાઇએ હવે સંપૂર્ણ રીતે જોર પકડયું છે. અત્યાર સુધી ગઠબંધનમાં બધુ જ યોગ્ય હોવાનો દાવો કરતી જેડીયુએ ભાજપ નેતાઓનો તેના નિવેદનો માટે આડે હાથ લીધા છે. જેડીયુએ સાથે ઇશારા - ઇશારામાં ચેતવણી આપી દીધી કે ૨૦૧૪ અને ૨૦૧૯ના માહોલમાં ખૂબ જ ફરક છે.

જેડીયુ નેતા સંજયસિંહે કહ્યું ૨૦૧૯માં બિહારના સીએમ નીતિશકુમાર વગર ભાજપનું જીતવું મુશ્કેલ છે. એટલું જ નહી તેઓએ રાજ્યના ભાજપ નેતાઓને કંટ્રોલમાં રહેવાની શીખામણ પણ આપી છે.

સંજયસિંહે કહ્યું કે, હેડલાઇન્સ આપવાની ચાહત રાખતા રાજ્યના ભાજપના નેતાઓએ કંટ્રોલમાં રહેવું જોઇએ. ૨૦૧૮ અને ૨૦૧૯માં ખૂબ જ ફરક છે. ભાજપ પણ જાણે છે કે તે નીતિશકુમાર વગર જીતી નહી શકે. જો ભાજપને સહયોગી દળની જરૂર નથી તો તે બિહારની દરેક ૪૦ સીટો પર લડવા માટે આઝાદ છે.

ઉલ્લેખનીય છે કે, જેડીયુએ સીટોની ફાળવણી પર પ્રસ્તાવ આપ્યો હતો. ગઠબંધનમાં સામેલ ચાર પક્ષો ભાજપ, લોકજનશકિત પક્ષ, જેડીયુ, આરએલએસપીને ૨૦૧૫ના વિધાનસભામાં પ્રદર્શનના આધાર પર સીટો આપવામાં આવે છે. ખરેખર, એવું થવાથી સૌથી વધુ ફાયદો જેડીયુને થશે કારણ કે તેનું પ્રદર્શન ૨૦૧૫ની ચુંટણીમાં સૌથી સારૃં રહ્યું હતું.

જેડીયુ આ મામલે તાત્કાલિક નિર્ણય ઇચ્છે છે. બીજી બાજુ રાજ્યના એક ભાજપ નેતા તેને વાસ્તવિકતાથી અલગ કહી રહી છે તેનું એ પણ કહેવું છે કે, આ પ્રકારની રણનીતિ પક્ષો ચૂંટણી પહેલા બનાવે છે. ભાજપ નેતાએ કહ્યું હતું કે, ૨૦૧૫માં જેડીયુના સારા પ્રદર્શનનું કારણ તેનું આરજેડી સાથે ગઠબંધન હતું. તેઓએ કહ્યું હતું જો યોગ્ય તાકાતનો અંદાજ લગાવો છે તો ૨૦૧૪ની લોકસભા ચુંટણીના પરિણમો જોવો જેમાં જેડીયુને માત્ર બે સીટ મળી અને વધુ પડતી ઉમેદવારોની ડીપોઝીટ જપ્ત થઇ ગઇ.

ઉલ્લેખનીય છે કે, સીટ ફાળવણી અંગે બિહારમાં લાંબા સમયથી ભાજપ અને જેડીયુ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. જોકે એનડીએ ગઠબંધનના સભ્યો વચ્ચે સીટ ફાળવણીના ફોર્મ્યુલા પર ઔપચારિક વાર્તા શરૂ થવાનું હજુ બાકી છે. સાથે આવતા મહિને આ મુદ્દા પર રણનીતિ નક્કી કરવા માટે દિલ્હીમાં તેની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક પણ બોલાવી છે.

(3:25 pm IST)