Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

હવે PPF, NSC વગેરેના દરમાં વધારાની શકયતા

હોમ લોનના દરમાં થયેલા વધારાથી ચિંતિત છો ? તમારા માટે સારા સમાચાર છે

નવી દિલ્હી તા. ૨૫ : હોમ લોનના દરમાં થયેલા વધારાથી ચિંતિત છો? તમાર માટે સારા સમાચાર છે. વ્યાજદરમાં વધારાના કારણે તમારી નાની બચત યોજનાઓ પર વળતર પણ વધશે. એનએસસી, કિસાન વિકાસ પત્ર, પોસ્ટ ઓફિસ ટાઇમ ડિપોઝિટ, સિનિયર સિટિઝન્સ સેવિંગ્સ સ્કીમ અને પીપીએફને સમાન મુદ્દત માટે સરકારી બોન્ડ યીલ્ડ સાથે બેન્ચમાર્ક કરવામાં આવે છે. અગાઉના કવાર્ટરમાં સરેરાશ સરકારી બોન્ડ યીલ્ડમાં માર્ક અપ ઉમેરીને તેનો વ્યાજદર નક્કી કરવામાં આવે છે.

એપ્રિલ-જૂનના સમયગાળામાં નાની બચત યોજનાઓ પર વ્યાજના દરમાં ફેરફાર થયો નથી છતાં એનાલિસ્ટ્સ માને છે કે આગામી કવાર્ટરમાં માર્જિનલ વધારો શકય છે. ઇકરાના ફાઇનાન્શિયલ સેકટર રેટિંગ્સના સેકટર હેડ અનિલ ગુપ્તા કહે છે કે, 'નાની બચતના દરમાં આગામી કવાર્ટરમાં ૧૦થી ૨૦ બેસિસ પોઇન્ટનો વધારો સંભવ છે. કારણ કે હાલના એપ્રિલ -જૂન કવાર્ટરમાં સરકારી સિકયોરિટીની યીલ્ડ ઊંચી છે.'

જોકે, નાની બચત અંગે શ્યામલા ગોપીનાથ સમિતિએ ભલામણ કરેલી ફોર્મ્યુલાનું છેલ્લા બે કવાર્ટરમાં પાલન થયું નથી. તેથી બોન્ડ યીલ્ડમાં વધારો થવા છતાં નાની બચતના દરમાં કદાચ વધારો નહીં થાય.

એકિસસ સિકયોરિટીઝના એમડી અને સીઇઓ અરુણ ઠુકરાલ કહે છે કે, 'બોન્ડ યીલ્ડ વધી રહી હોવા છતાં સરકારે નાની બચતના દરમાં જૂન કવાર્ટરમાં કોઇ ફેરફાર કર્યા નથી. જયારે ડિસેમ્બર કવાર્ટર માટે મોટા ભાગની નાની બચત સ્કીમમાં વ્યાજદરમાં ૨૦ બેસિસ પોઇન્ટ જેટલો ઘટાડો કરાયો હતો. ડિસેમ્બર કવાર્ટરમાં ૧૦ વર્ષની બોન્ડ યીલ્ડ એવરેજ અગાઉના કવાર્ટરની સરખામણીમાં ૪૫ બેસિસ પોઇન્ટ વધારે હતી. તેથી આગામી કવાર્ટરમાં નાની બચત યોજનાઓના દરમાં વધારો થવાની શકયતા ઓછી છે.'

ડીએચએફએલના ઐયર વધારે આશાવાદ ધરાવે છે. તેઓ કહે છે કે, નાની બચતના વ્યાજદર સરકારી સિકયોરિટીના ૧૦ વર્ષની યીલ્ડ સાથે બેન્ચમાર્ક કરાયા છે. તેથી તેમાં અમુક મુવમેન્ટ ચોક્કસ જોવા મળશે. આમ છતાં કોઇ ફેરફાર થશે તે બહુ અર્થપૂર્ણ નહીં હોય.

નાની બચતના દરમાં કેટલો વધારો થશે તે વિશે નિષ્ણાતો અલગ અલગ મત ધરાવે છે. પરંતુ રાજકીય કારણોથી સરકાર તરફથી અમુક રાહત મળવાની શકયતા છે. મિઝોરમ, રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશ જેવા રાજયોમાં ચાલુ વર્ષના અંત સુધીમાં કે આગામી વર્ષની શરૂઆતમાં ચૂંટણી આવી રહી છે. આ ઉપરાંત ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી આવી રહી છે તેથી રોકાણકારો ઊંચા વ્યાજદરના સ્વરૂપમાં અમુક પ્રોત્સાહનની અપેક્ષા રાખી શકે છે.

ડિપોઝિટના રેટમાં  પણ વધારો

કેટલીક બેન્કોએ આરબીઆઇની નીતિ વિષયક સમીક્ષા અગાઉ જ રેટમાં વધારાને ધ્યાનમાં લઇને ફિકસ્ડ તથા રિકરિંગ ડિપોઝિટના રેટ વધારી દીધા હતા. તેથી તેથી એફડીમાં રોકાણ કરનારાને ફાયદો થશે કારણ કે વ્યાજના દર વધી રહ્યા છે. આમ છતાં ઊંચા દરની ચોખ્ખી અસર સામાન્ય વ્યકિત માટે બહુ ફાયદાકારક નહીં હોય. ટીબીએનજી કેપિટલના સ્થાપક અને સીઇઓ તરુણ બિરાની કહે છે કે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવ વધી રહ્યા છે.

તમે શોર્ટ ટર્મ ડેટ ફંડ્સ અને ફિકસ્ડ મેચ્યોરિટી પ્લાન (એફએમપી)માં રોકાણ કર્યું હોય તો વધતા વ્યાજદરથી તમને ફાયદો થશે. રેટમાં વધારાના કારણે લિકિવડ ફંડ્સ અને ફિકસ્ડ મેચ્યોરિટી પ્લાન પરના વળતરમાં વધારો થશે. કંપની ફિકસ્ડ ડિપોઝિટના દર પણ વધી શકે છે તેમ મિરેઇ એસેટ મ્યુચ્યુઅલ ફંડના ફિકસ્ડ ઇન્કમના હેડ મહેન્દ્ર જાજૂ જણાવે છે.

તેમની સાથે સહમત થતા ડીએચએફએલ પ્રેમેરિકા મ્યુચ્યુઅલ ફંડના સીઇઓ રાજેશ ઐયર કહે છે કે એકથી ત્રણ વર્ષની પાકતી મુદત માટે ફિકસ્ડ ઇન્કમ ફંડ્સ એ રોકાણ માટેનો સારો વિકલ્પ છે. અત્યારની યીલ્ડમાં બોન્ડ માર્કેટે રેટમાં એકથી વધારે વધારાને પહેલેથી ગણતરીમાં લઇ લીધા છે અને આકર્ષક વાસ્તવિક વળતર ઓફર કરે છે.

જુદા જુદા પરિબળોના કારણે જુલાઈ ૨૦૧૭થી બોન્ડ યીલ્ડમાં વધારો થઇ રહ્યો છે. તેમાં સરકારના ઋણમાં વધારો, ફુગાવાનું આઉટલૂક, યુએસ બોન્ડની વધતી યીલ્ડ જવાબદાર છે. આરબીઆઇએ રેટમાં વધારો કરતા ૧૦ વર્ષના સરકારી બોન્ડની યીલ્ડ વધીને ૮ ટકાને વટાવી ગઈ હતી.હાલમાં ૧૦ વર્ષના બોન્ડની યીલ્ડ ૭.૯૮ ટકા છે. યીલ્ડમાં વધારો થવાથી ગિલ્ટ ફંડમાં રોકાણ કરનારા એનપીએસ સબસ્ક્રાઇબર્સના વળતરમાં ઘસારો થયો છે. લોંગ ટર્મ ડેટ ફંડ્સને પણ વધતી બોન્ડ યીલ્ડથી અસર થશે કારણ કે યીલ્ડ વધવાથી બોન્ડના ભાવ અને એનએવી ઘટશે. છેલ્લા એક વર્ષમાં લોંગ ટર્મ ડેટ ફંડ્સે એવરેજ (-૧.૫) ટકા વળતર આપ્યું છે.(૨૧.૬)

 

(11:49 am IST)