Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

જીએસટી બાદ સોનાના ગેરકાયદે વેપારમાં વૃદ્ધિ

બુલિયન ડિલરો-જ્વેલર્સનો આરોપઃ નવી ટેક્ષ સિસ્ટમ પછી દાણચોરી બંધ નથી થઈ

નવી દિલ્હી, તા. ૨૫ :. ૧ જુલાઈથી જીએસટી અમલમાં આવ્યો ત્યારથી સોનાનો ગેરકાયદે વ્યાપાર ઘણો વધી ગયો છે. બુલિયન ડીલર્સ અને જ્વેલર્સનું કહેવુ છે કે તેમના બિઝનેશને ફટકો પડયો છે.

નવી ટેકસ સિસ્ટમ અમલમાં આવી ત્યારથી સરકારે વેચાણના જુદા જુદા પોઈન્ટ પર ટેકસ ચોરીની તપાસ અટકાવી દીધી છે. સંગઠિત ગોલ્ડ ઈન્ડસ્ટ્રીને અપેક્ષા હતી કે જીએસટી લાગુ થવાથી ગેરકાયદે વેપાર અટકી જશે અને ટેકસના નિયમોનું પાલન થશે, પરંતુ એમ થયું નથી તેવું ડીલર્સનો દાવો છે. તેમણે કહ્યું કે દક્ષિણ ભારતમાં આ સમસ્યા વધારે ગંભીર છે જે દેશમાં સોનાનું સૌથી મોટું બજાર છે.

કેરળ સ્થિત મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડસના ચેરમેન અહમદ એમપીએ કહ્યું કે, 'જીએસટી લાગુ થયો ત્યારથી સોનામાં ગેરકાયદે બિઝનેસ વધ્યો છે. તેનું કારણ એ છે કે સરકારે ટેકસ ચોરીની ફરજીયાત ચકાસણી અટકાવી દીધી છે.'

ગોલ્ડ પર ૩ ટકા જીએસટી અને ૧૦ ટકા ઈમ્પોર્ટ ડયુટી લાગુ પડે છે. અહમદે કહ્યું કે કેરળ અને તામિલનાડુ હવે સોનાના ગેરકાયદે વ્યાપારના કેન્દ્રો છે. જો કે ઈન્ડીયા બુલિયન એન્ડ જ્વેલર્સના સેક્રેટરી સુરેન્દ્ર મહેતાએ કહ્યું કે, ગેરકાયદે ટ્રેડ માત્ર દક્ષિણ ભારત પુરતુ મર્યાદીત નથી. પડોશી દેશોની સરહદ પરથી પણ ગેરકાયદે માલ લાવવામાં આવે છે. તેથી બુલિયન અને જ્વેલરી ઉદ્યોગ માટે સમસ્યા પેદા થાય છે. આવી પદ્ધતિના કારણે પારદર્શક વેપાર થઈ શકતો નથી. ભારત વર્ષે ૮૦૦ થી ૮૫૦ ટન સોનાનો વપરાશ થયા છે. કુલ સ્થાનિક વપરાશમાં દક્ષિણ ભારતનો હિસ્સો ૪૦ ટકા છે. ત્યાર બાદ ૨૫ ટકા હિસ્સો પશ્ચિમ ભારત, ૨૦ ટકા હિસ્સો ઉત્તર અને ૧૫ ટકા હિસ્સો પૂર્વ ભારતનો છે. અહમદે કહ્યુ કે કેટલાક ટ્રેડર્સ કોઈ પણ ટેકસ ચૂકવ્યા વગર રાજ્યોમાં દાણચોરીથી બુલિયન ઘુસાડે છે. તેને તેઓ ઘરેણામાં રૂપાંતરિત કરીને ડાયરેકટ સેલિંગ એજન્ટ મારફત વેચે છે. કેરળમાં ૪૦ ટકા જ્વેલરી ઉત્પાદકો જ જીએસટી મુજબ કામ કરે છે.(૨-૨)

(11:48 am IST)