Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

મેજરની પત્નિના હત્યા સંદર્ભે મેજર નિખીલની ધરપકડ થઇ

નિખીલની ધરપકડ બાદ નવી વિગત ખુલવાના સંકેત : નિખીલ મૃતક સેલજા અને પતિ બંનેનો મિત્ર છે : અહેવાલ

નવીદિલ્હી,તા. ૨૪ : દિલ્હીના આર્મી કેમ્પ સ્થિત બરાડ સ્કેવર વિસ્તારમાં શનિવારના દિવસે આર્મીમાં મેજરના પત્નિ સેલજા દ્વિવેદીની હત્યાના મામલામાં આરોપી મેજરની ધરપકડ કરવામાં આવી છે. મેજર નિખીલ રોય હાન્ડાને પકડી પાડવામાં આવ્યા છે. મૃતક સેલજાના પતિ અનિલ દ્વિવેદીએ પહેલાથી જ મેજર હાન્ડા પર હત્યાની શંકા વ્યક્ત કરી છે. નિખીલ રાય હાન્ડા મૃતક સેલજા અને તેના પતિ બંનેના મિત્ર તરીકે હતા. આરોપી મેજરને મેરઠમાંથી પકડી પાડવામાં આવ્યા છે. સીસીટીવી ફુટેજમાં મેજર હાન્ડાને થોડાક દિવસ પહેલા નાગાલેન્ડમાં જોવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલામાં તપાસમાં રહેલા અધિકારી મધુપ તિવારીએ કહ્યું છે કે, પોલીસની પાસે આ મામલામાં નક્કર પુરાવા રહેલા છે. શરૂઆતી સુચનાઓમાં આને દુર્ઘટના તરીકે ગણાવીને મામલાને દબાવી દેવાના પ્રયાસ થયા હતા પરંતુ અમારી તપાસ ઇશારો કરે છે કે, આ હત્યાનો મામલો છે. મૃતક સેલજાના ફોન ડિટેઇલમાં પણ તપાસ કરવામાં આવી રહી છે. મામલાની જડ સુધી પહોંચવા માટે પ્રયાસ થઇ રહ્યા છે. શનિવારે બપોરે દોઢ વાગે બરાડ સ્કેવર વિસ્તારથી પસાર થઇ રહેલી એક વ્યક્તિએ માહિતી આપી હતી કે, માર્ગ ઉપર એક મહિલાનો મૃતદેહ પડ્યો છે. ત્યારબાદ થોડાક સમય સુધી તેની ઓળખ થઇ શકી ન હતી. સાંજે ૪.૩૦ વાગે જ્યારે મેજર અનિલ દ્વિવેદીએ પોલીસની પાસે પહોંચીને પત્નિ લાપત્તા હોવાની માહિતી આપી હતી. તપાસ કરવામાં આવતા મૃતદેહ તેમના પત્નિનો હોવાની વિગત ખુલી હતી. મેજરની પત્નિની હત્યાના મામલામાં ઉંડી તપાસ ચાલી રહી છે. મેજર નિખીલ રોય હાન્ડાની ધરપકડ કરવામાં આવ્યા બાદ ચોંકાવનારી વિગતો સપાટી ઉપર આવે તેવી શક્યતા નકારી શકાય નહીં. આ મામલોચોંકાવનારો પુરવાર થઇ શકે છે.

(12:00 am IST)