Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

ઇપીએફઓ ખાતાધારકોને ટૂંકમાં રાહત : પેન્શન હવે ૨૦૦૦ કરાશે

૨૬મી જૂનના દિવસે મળનારી સીબીટીની બેઠકમાં અંતિમ નિર્ણય : પીએફ પેન્શનરોને મળનાર લઘુત્તમ પેન્શન ૧૦૦૦થી વધારી ૨૦૦૦ સુધી કરાશે : નવા પ્રસ્તાવથી સરકાર ઉપર વાર્ષિક ૩૦૦૦ કરોડનો બોજ પડશે

નવીદિલ્હી, તા.૨૪ : કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઇપીએફઓ)ના ખાતા ધારકો માટે સારા સમાચાર છે. પીએફ પેન્શનરોને મળનાર લઘુત્તમ પેન્શન ૧૦૦૦ રૂપિયાથી વધારીને ૨૦૦૦ રૂપિયા કરવામાં આવી શકે છે. ઇપીએફઓ અને શ્રમ મંત્રાલય દ્વારા આ પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવ પર ૨૬મી જૂનના દિવસે યોજાનારી સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી (સીબીટી)ની બેઠકમાં નિર્ણય કરવામાં આવી શકે છે. શ્રમ મંત્રાલયના સુત્રોના કહેવા મુજબ આ સંદર્ભમાં મંત્રાલય અને ઇપીએફઓમાં સહમતિ થઇ ગઇ છે. લઘુત્તમ પેન્શન ૨૦૦૦ રૂપિયા કરવાથી સરકાર પર ૩૦૦૦ કરોડ રૂપિયાનો વાર્ષિક બોજ પડશે. ઇપીએફઓની પાસે એટલી વધારાની રકમ છે કે, આ બોજને સરળતાથી ઉપાડી શકે છે. હાલમાં ઇપીએફઓના મેમ્બરોને લઘુત્તમ ૧૦૦૦ રૂપિયા અને મહત્તમ ૭૫૦૦ રૂપિયા સુધી પેન્શન આપવામાં આવે છે. અત્રે નોંધનીય છે કે, ઇપીએફઓએ વર્ષ ૨૦૧૭-૧૮ માટે પાંચ કરોડ પીએફ ખાતા ધારકોના પ્રોવિડંડ ફંડની વ્યાજદરોમાં ઘટાડો કરી દીધો છે. વર્ષ ૨૦૧૭-૧૮ માટે પીએફના વ્યાજદર ૮.૬૫ ટકાથી ઘટીને ૮.૫૫ ટકા થઇ ગયા છે. આ ઘટાડો કરવામાં આવ્યા બાદ પીએફના વ્યાજદર પાંચ વર્ષની સૌથી નીચી સપાટી ઉપર છે. જાણકાર લોકોનું કહેવું છે કે, રિટાયર્ડમેન્ટ ફંડ બોડી ઇપીએફઓની સામે ફંડને લઇને કોઇ તકલીફ નથી. ઇપીએફઓને એક્સચેંજ ટ્રેડેડ ફંડ (ઇટીએફ)થી મે મહિના સુધી ૧૬.૦૭ ટકા રિટર્ન મળ્યો છે.

ઇપીએફઓ દ્વારા આ ફંડમાં ૪૭૪૩૧ કરોડ રૂપિયાનું જંગી રોકાણ કરેલું છે. ઇપીએફઓએ સ્ટોક માર્કેટમાં વર્ષ ૨૦૧૫થી મૂડી રોકાણ કરવાની શરૂઆત કરી હતી. પહેલા એવો નિયમ બનાવવામાં આવ્યો હતો કે, ઇપીએફઓ પોતાની રકમ પૈકી પાંચ ટકા રકમ સુધી જ શેરબજારમાં રોકી શકે છે. મોડેથી વર્ષ ૨૦૧૬-૧૭માં આ રકમને વધારીને પહેલા ૧૦ અને ૨૦૧૭-૧૮માં ૧૫ ટકા કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં વધુ સારા રિટર્ન મળવાથી ઇપીએફઓની પાસે ફંડની કોઇ કમી નથી. ૨૬મી જૂનના દિવસે મળનારી બેઠકમાં જુદા જુદા પાસાઓ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવનાર છે. ત્યારબાદ લઘુત્તમ પેન્શન ૨૦૦૦ રૂપિયા કરવામાં આવી શકે છે. ઇપીએફઓના ખાતા ધારકોને આનાથી મોટો ફાયદો થશે. પીએફ પેન્શનરોને મળનાર લઘુત્તમ પેન્શનનો આંકડો ડબલ થઇ જશે. હાલમાં જે રકમ ૧૦૦૦ છે તે વધીને ૨૦૦૦ રૂપિયા થઇ જશે. ૨૬મી જૂનના દિવસે યોજાનારી બેઠક પર અર્થશાસ્ત્રીઓ અને કોર્પોરેટ જગતની નજર પણ કેન્દ્રિત થઇ ગઇ છે. લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે એક પછી એક લોકલક્ષી નિર્ણયો કરવામાં આવી રહ્યા છે.

(12:00 am IST)