Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

બિહારમાં જાતિ ગણતરીને સમર્થન આપશે ભાજપ : નીતિશ કુમારે પહેલી જૂને સર્વપક્ષીય બેઠક બોલાવી

લગભગ તમામ પક્ષો જાતિ ગણતરીની તરફેણમાં : બેઠકમાં લેવાયેલા નિર્ણય બાદ તેના અમલીકરણ અંગે મંત્રીઓની બેઠક બોલાવવી પડશે

પટના :બિહારમાં જાતિ ગણતરીને લઈને સર્વપક્ષીય બેઠક પહેલા ભાજપે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે. ભાજપે  સ્પષ્ટ કર્યું કે તે બિહારમાં જાતિ ગણતરીને સમર્થન આપશે. સીએમ નીતિશ કુમારે 1 જૂને સર્વપક્ષીય બેઠક બોલાવી છે. સંસદીય કાર્ય મંત્રી વિજય કુમાર ચૌધરીએ કહ્યું કે નીતીશ કુમારના નેતૃત્વમાં 1 જૂને બેઠક યોજાવા જઈ રહી છે. લગભગ તમામ પક્ષો જાતિ ગણતરીની તરફેણમાં છે.

મંત્રીએ કહ્યું કે, બેઠકમાં લેવાયેલા નિર્ણય બાદ તેના અમલીકરણ અંગે મંત્રીઓની બેઠક બોલાવવી પડશે. તેથી તેને મંત્રી પરિષદની બેઠકમાં લાવવામાં આવશે. જે બાદ સરકાર તેને લાગુ કરવાનો પ્રયાસ કરશે.

મંત્રીએ કહ્યું કે જાતિ ગણતરી પર તમામ પક્ષો સહમત થયા છે. તમામ પક્ષો સાથે વાતચીત કરવામાં આવી છે. 1 જૂને યોજાનારી બેઠકમાં તમામ પક્ષોના લોકો ભાગ લેશે. ભાજપે ક્યારેય જાતિ ગણતરીનો વિરોધ કર્યો નથી.

આ પહેલા વિજય કુમાર ચૌધરીએ મંગળવારે કહ્યું હતું કે 1 જૂને સર્વપક્ષીય બેઠક યોજાવા જઈ રહી છે. નોંધનીય છે કે, મુખ્યમંત્રીએ તાજેતરમાં જ જાતિ ગણતરી અંગે વહેલી બેઠક બોલાવવાની જાહેરાત કરી હતી. મંત્રીએ એમ પણ કહ્યું કે જાતિની વસ્તી ગણતરી કરવા માટે કેન્દ્ર સરકારને ભલામણ મોકલવાની સરકારની દરખાસ્ત વિધાનસભામાં બે વખત પસાર કરવામાં આવી છે.

આ સંદર્ભે મુખ્યમંત્રીની આગેવાનીમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે પણ વડાપ્રધાનને મળવા વિનંતી કરી છે. વિલંબને કારણે કેન્દ્ર સરકારે આ કરવામાં અસમર્થતા દર્શાવી હતી. ત્યારે મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે જો તમામ પક્ષો સંમત થાય તો રાજ્ય સરકાર તેના સ્તરેથી આ કામ કરાવવા તૈયાર છે. આ સંદર્ભમાં તમામ પક્ષો સાથે ચર્ચા કર્યા બાદ સાંજે 4 વાગ્યે પટનામાં ‘સંવાદ’ રૂમમાં આ બેઠક બોલાવવામાં આવી છે.

નોંધનીય છે કે મુખ્યમંત્રી નીતિશ કુમારે સોમવારે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે અમે શરૂઆતથી જ જાતિ ગણતરી કરાવવા માંગીએ છીએ. આ વખતે તમામ પક્ષોની બેઠક કરીને નિર્ણય લીધા બાદ કેબિનેટ દ્વારા તેને મંજૂરી આપવામાં આવશે. ત્યારબાદ તેના પર કામ શરૂ કરવામાં આવશે. આ બેઠકમાં તમામના અભિપ્રાય લેવામાં આવશે કે કેવી રીતે વધુ સારી રીતે જાતિ ગણતરી કરી શકાય. સરકારે પણ આ માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે, પરંતુ તમામના અભિપ્રાય લીધા બાદ જ કેબિનેટમાં પ્રસ્તાવ લાવવામાં આવશે. ત્યાર બાદ તેના પર કામ શરૂ કરવામાં આવશે

(8:16 pm IST)