Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

અલગતાવાદી નેતા યાસીન મલિકને આજીવન કેદની સજા: ટેરર ફંડિંગ કેસમાં વિશેષ કોર્ટે સજા સંભળાવી :10 લાખનો દંડ ફટકારાયો

ચુકાદાને ઉપલી અદાલતમાં પડકારવાનો નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ નિર્ણય લીધો

નવી દિલ્હી : ત્રાસવાદીઓને ભારતમાં ત્રાસવાદી કૃત્યો હાથ ધરવા માટે પૈસાની મદદ કરવા બદલ થોડા દિવસ પહેલા જ જેને અપરાધી જાહેર કરવામાં આવ્યો છે તે કશ્મીરી અલગતાવાદી નેતા યાસીન મલિકને નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની વિશેષ કોર્ટે આજે આજીવન કેદની સજા ફટકારી છે. મલિકને ફાંસીની સજા આપવાની ફરિયાદી NIA દ્વારા માગણી કરવામાં આવી હતી. મલિકને આજે સવારે સુરક્ષાના કડક બંદોબસ્ત હેઠળ અહીં પટિયાલા હાઉસ કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. વિશેષ કોર્ટના આ ચુકાદાને ઉપલી અદાલતમાં પડકારવાનો નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ નિર્ણય લીધો હોવાનું કહેવાય છે.

સ્પેશ્યલ જજ પ્રવીણ સિંહ સમક્ષની સુનાવણી દરમિયાન એનઆઈએના ધારાશાસ્ત્રીએ દલીલ કરી હતી કે યાસીન મલિક માટે ફાંસીની સજા જ એકદમ ઉચિત છે.

યાસીન મલિક સામે ક્રિમિનલ ષડયંત્ર ઘડવા, ભારત દેશ વિરુદ્ધ યુદ્ધ આદરવા, અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવા તથા કશ્મીરમાં શાંતિના વાતાવરણને બગાડવાના આરોપ મૂકવામાં આવ્યા છે. આ તમામ આરોપ માટે મલિકને કોર્ટે અપરાધી જાહેર કરી દીધો છે.

 

આ કેસની તપાસ કરી રહેલી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ યાસીન મલિકને ફાંસીની સજા આપવા માટે કોર્ટને વિનંતી કરી હતી. બીજી તરફ, યાસીન મલિકે, ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) હેઠળ કરાયેલા આરોપો સહિત તેની સામેના તમામ આરોપોનો સ્વીકાર કર્યો હતો.

વાસ્તવમાં, જે કલમોમાં યાસીન મલિકને દોષી ઠેરવવામાં આવ્યો છે, તેમાં મહત્તમ મૃત્યુદંડ અથવા ઓછામાં ઓછી આજીવન કેદની સજાની જોગવાઈ છે, જેના આધારે NIA કોર્ટે યાસીન મલિકને આજીવન કેદની સજા સંભળાવી છે.

કોર્ટમાં યાસીને જજને કહ્યું હતું કે, બુરહાન વાનીને મારવાની જાહેરાત થઈ ત્યારથી હું સતત જેલમાં રહ્યો છું, તો મારા પર આ આરોપો કેવી રીતે લગાવવામાં આવ્યા? જેના પર કોર્ટે કહ્યું કે હવે એ સમય નથી. તે જ સમયે, યાસીને આનો જવાબ આપ્યો અને કહ્યું, હું તમારી સામે કોઈ ભીખ નહી માંગુ તમને જે યોગ્ય છે તે પ્રમાણે સજા આપો. પણ પહેલાં જુઓ કે શું કોઈ પુરાવા છે કે મેં આતંકવાદીઓને સમર્થન આપ્યું છે?

 

(7:06 pm IST)