Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

મેંગલુરૂની જૂની મસ્‍જિદમાં હિન્‍દુ મંદિર હોવાનો દાવો

જ્ઞાનવાપી બાદ હવે કર્ણાટકમાં બબાલ

બેંગ્‍લોર, તા.૨૬: દેશમાં ધાર્મિક સ્‍થળને લઈને ચાલી રહેલા વિવાદ રોકાવાનું નામ નથી લઈ રહ્યા. જ્ઞાનવાપી બાદ હવે કર્ણાટકમાં પણ એક મસ્‍જિદને લઈને આવો દાવો કરવામાં આવ્‍યો છે. કર્ણાટકના મેંગલુરૂમાં જૂની મસ્‍જિદ નીચે કથિત રીતે હિન્‍દુ મંદિર જેવા વાસ્‍તુશિલ્‍પ ડિઝાઈઆન મળવાનો દાવો કર્યો છે. હવે આ જગ્‍યા પર વિશ્વ હિન્‍દુ પરિષદ એક અનુષ્ઠાન કરશે. જેને જોતા મંદિરની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે.

કર્ણાટકની આ મસ્‍જિદ બહાર વીએચપીના કેટલાય કાર્યકર્તાઓ પહોંચ્‍યા છે અને હોબાળો કર્યો હતો. આ તમામ લોકો જૂની મસ્‍જિદમાં પૂજા કરવાની માગ કરી રહ્યા છે. એટલુ જ નહીં મસ્‍જિદ બહાર આ લોકોએ પૂજા અર્ચના પણ કરી હતી, જેને જોતા માહોલ ખૂબ જ તણાવપૂર્ણ બની ગયો હતો. વીએચપીના આ હોબાળાને જોતા સમગ્ર વિસ્‍તારમાં કલમ ૧૪૪ લગાવી દીધી હતી. ઘટના પર ભારે સંખ્‍યામાં પોલીસફોર્સ તૈનાત કરી દેવામા આવી છે. ૫૦૦ મીટરના દાયરામાં કોઈને પણ ભીડ એકઠી કરવાની મંજૂરી નથી.

હકીકતમાં ૨૧ મેના રોજ આ આખો મામલો સામે આવ્‍યો હતો. જ્‍યાં આ જૂની મસ્‍જિદનું રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન દાવો કરવામા આવ્‍યો હતો કે, મસ્‍જિદની અંદર એક મંજિર જેવી સંરચના છે. જે બાદ વિશ્વ હિન્‍દુ પરિષદે આ મુદ્દાને ઉછાળ્‍યો હતો અને હોબાળો મચાવ્‍યો હતો. હવે જ્ઞાનવાપીની માફક આ મુદ્દો પણ ગરમાઈ રહ્યો છે. વીએચપીનો દાવો છે કે, મંદિર તોડીને આ મસ્‍જિદ બનાવામાં આવી છે. વીએચપીનું કહેવુ છે કે, આ સાબિત કરવા માટે કોર્ટમાં પણ જઈશું. આ ઉપરાંત હિન્‍દુ સંગઠને મસ્‍જિદમાં સર્વે કરાવાની પણ માગ કરી છે.

(4:07 pm IST)