Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

દિલ્હીથી કેનેડા જઈ રહેલી એર કેનેડાની ફ્લાઈટે હવામાં ગુમાવ્યું બેલેન્સ :પેસેન્જરને ઈજા: અમદાવાદ એરપોર્ટ પર ડાઈવર્ટ કરાઇ

વાતાવરણ સુધરતા ડોમેસ્ટિક ફલાઇટને અઢીથી 3 કલાક બાદ પાછી મોકલી દેવાઇ : ઇન્ટરનેશનલ ફલાઇટના પેસેન્જરોને હોટલમાં ઉતારો અપાયો

દિલ્હી-જયપુરમાં ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે વાતાવરણ ખરાબ થતાં 5 ડોમેસ્ટિક અને 2 ઇન્ટરનેશનલ મળીને 7 ફલાઇટ અમદાવાદ એરપોર્ટ પર ડાયવર્ટ કરાઇ હતી. દિલ્હીથી કેનેડા જતી એર કેનેડાની ફ્લાઈટે હવામાં બેલેન્સ ગુમાવતા ચાર પેસેન્જરને નાની-મોટી ઈજા થતાં ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. વહેલી સવારે વાતાવરણ સુધરતા ડોમેસ્ટિક ફલાઇટને અઢીથી 3 કલાક બાદ પાછી મોકલી દેવાઇ હતી. જયારે ઇન્ટરનેશનલ ફલાઇટના પેસેન્જરોને હોટલમાં ઉતારો અપાયો છે.

દિલ્હી અને જયપુરમાં ભારે વરસાદ અને વાવાઝોડાથી ખરાબ વાતાવરણ સર્જાતા દિલ્હી અને જયપુર જતી 5 ડોમેસ્ટિક અને 2 ઇન્ટરનેશનલ ફલાઇટને સોમવારે મોડી રાત્રે 12 વાગ્યા બાદ અમદાવાદ એરપોર્ટ પર ડાઈવર્ટ કરાઇ હતી. જેમાં કેનેડાથી દિલ્હી જતી એર કેનેડાની ફલાઇટે થોડા સમય માટે હવામાં બેલેન્સ ગુમાવ્યું હતું અને ફલાઇટ ઊંચી નીચી થતાં પેસેન્જરોનો જીવ તાળવે ચોંટી ગયો હતો.

પાયલોટે આ ઘટનાની જાણ એટીસીને કરતા એટીએસ અધિકારીએ તાત્કાલિક ઇમરજન્સી ડિકલેર કરી હતી. અમદાવાદ એરપોર્ટ ખાતે ફાયર બ્રિગેડ, મેડિકલ ટીમ અને અન્ય એજન્સીઓ એલર્ટ થઇ ગઇ હતી. ત્યારબાદ રાત્રે 12 પછી એર કેનેડાની ફલાઇટ અમદાવાદ સુરક્ષિત લેન્ડ થઇ હતી.

કેનેડા અને અમેરિકાથી દિલ્હી જતી બંને ઇન્ટરનેશનલ ફલાઇટમાં 200થી 225 પેસેન્જર હતા. મંગળવારે રાત્રે તમામ પેસેન્જરોને અમદાવાદથી દિલ્હી મોકલવામાં આવ્યા હતા. ફ્લાઈટના ઈમરજન્સી લેન્ડિંગને લીધે ફાયરબ્રિગેડ, મેડિકલ ટીમ અને સિક્યુરિટી એજન્સીઓને એલર્ટ કરવામાં આવી હતી. ઘાયલ પેસેન્જરને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. 3 પેસેન્જરને પ્રાથમિક સારવાર આપી રજા અપાઈ હતી જ્યારે એક વૃદ્ધને દાખલ કરાયા છે.

(12:27 pm IST)