Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

એક્‍સાઇઝ ડયુટીમાં અચાનક કાપથી ફયુઅલ ડીલર્સને લાખ્‍ખોનું નુકસાન

હાલ નુકસાન કરીને ફયુઅલનું વેચાણ કરી રહ્યા છે

નવી દિલ્‍હી તા. ૨૫ : કેન્‍દ્ર સરકારે શનિવારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્‍સાઇઝ ડ્‍યુટીમાં ક્રમશઃ પ્રતિ લિટર રૂ. આઠ અને રૂ. છનો ઘટાડો કર્યો હતો. સરકારે કરેલા અચાનક ભાવ ઘટાડાથી ફયુઅલ રિટેલર્સને નોંધપાત્ર નુકસાન વેઠવું પડ્‍યું છે. અડધો ડઝનથી વધુ ડીલર્સે કહ્યું હતું કે સરકારે શનિવારે સાંજે એક્‍સાઇઝ ડ્‍યુટીમાં કરેલા ભાવઘટાડાથી અમારે ભારે નુકસાન ભોગવવું પડ્‍યું છે અને તેઓ હાલ નુકસાન કરીને ફયુઅલનું વેચાણ કરી રહ્યા છે.

મેં ૫૦,૦૦૦ લિટર ફયુઅલ કેન્‍દ્ર અને રાજય સરકારના ટેક્‍સ ચૂકવીને શનિવારે ખરીદ્યું હતું, એમ એક મુંબઈ સ્‍થિત ફયુઅલ રિટેલરે નામ ના આપવાની શરતે કહ્યું હતું. હવે મને રૂ. ૩,૬૦,૦૦૦નું નુકસાન થયું છે. આવું જ દિવાળી વખતે થયું હતું, ત્‍યારે સરકારે અચાનક એક્‍સાઇઝમાં ઘટાડો કર્યો હતો, એમ તેણે કહ્યું હતું. અન્‍ય એક ડીલરે કહ્યું હતું કે દિવાળી વખતે સરકારે કરેલા ભાવઘટાડાથી મને રૂ. ૧૦ લાખનું નુકસાન થયું હતું. સરકાર ફયુઅલની કિંમતો ધીમે-ધીમે વધારે છે, એ જ રીતે તબક્કાવાર ઘટાડતી કેમ નથી?  એવો સવાલ તેણે પૂછ્‍યો હતો.

ખાનગી ફયુઅલ ડીલર્સ જેવા કે રિલાયન્‍સ ઇન્‍ડ.- BP PLc અને નાયરા એજન્‍સીએ પણ કહ્યું હતું કે આ વખતે સ્‍ટોક ઓછો હતો, એટલે દિવાળીની તુલનાએ નુકસાન ઓછું ભોગવવું પડ્‍યું છે, પણ રાજય સરકારની ઓઇલ માર્કેટિંગ કંપનીઓના ડીલર્સે આ વખતે રૂ. ૧૦ લાખ કરતાં વધુ નુકસાન વેઠવું પડ્‍યું છે.

(10:39 am IST)