Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

સરકારે ફુગાવાને કાબૂમાં લેવા ખાદ્યતેલો પરની આયાત ડયૂટી દૂર કરી

મોંઘવારી કાબુમાં લેવા માટે સરકારે લીધું મોટું પગલું : ૨૦૨૨-૨૩ અને ૨૦૨૩-૨૪માં ૨૦ લાખ ટન ક્રૂડ સોયાબીન અને સનફલાવર ઓઇલની આયાત પર કોઇ ડયુટી નહીં લાગે

નવી દિલ્‍હી તા. ૨૫ : કેન્‍દ્ર સરકારે મોંઘવારી પર અંકુશ મેળવવા માટે વધુ એક મોટું પગલું ભર્યું છે. સરકારે ક્રૂડ સોયાબીન અને સનફલાવર ઓઈલની આયાતને માર્ચ ૨૦૨૪ સુધી ડ્‍યુટી ફ્રી કરી છે. આ સિવાય તેમની આયાત પર કૃષિ સેસ પણ લાગુ થશે નહીં. સરકારનો આ નિર્ણય ૨૪ મેની મધરાતથી લાગુ થઈ ગયો છે.

નાણા મંત્રાલય દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ અને ૨૦૨૩-૨૪માં દર વર્ષે ૨૦ લાખ ટન ક્રૂડ સોયાબીન અને સનફલાવર ઓઈલની આયાત પર કોઈ ડ્‍યુટી નહીં લાગે. સેન્‍ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્‍ટ ટેક્‍સ એન્‍ડ કસ્‍ટમ્‍સ (CBIC) એ ટ્‍વિટ કર્યું છે કે આ પગલું મોંઘવારી પર અંકુશ લગાવશે અને સામાન્‍ય માણસને રાહત આપશે. ભારત તેની જરૂરિયાતના ૬૦ ટકા ખાદ્ય તેલની આયાત કરે છે. ફુગાવામાં ખાદ્ય તેલનો મોટો ફાળો છે અને છેલ્લા ત્રણ મહિનામાં ખાદ્ય તેલના છૂટક ભાવમાં ૧૫ ટકાથી વધુનો વધારો નોંધાયો છે.

સૂત્રોના જણાવ્‍યા અનુસાર સરકાર હવે ખાંડની નિકાસને પણ મર્યાદિત કરી શકે છે. વર્તમાન ખાંડની સિઝન ૨૦૨૧-૨૨ (ઓક્‍ટોબર-સપ્‍ટેમ્‍બર)માં અત્‍યાર સુધીમાં ૭૫ લાખ ટન ખાંડની નિકાસ કરવામાં આવી છે અને તે ૧૦૦ લાખ ટન સુધી મર્યાદિત રહી શકે છે. હાલમાં ખાંડની છૂટક કિંમત ૪૧.૫૦ રૂપિયા પ્રતિ કિલો છે, જે આગામી કેટલાક મહિનામાં વધીને ૪૦-૪૩ રૂપિયા પ્રતિ કિલો થઈ શકે છે. નિકાસ વધવાથી આ કિંમત વધુ વધી શકે છે. છૂટક ફુગાવાના માપનમાં કાપડનો પણ સમાવેશ થાય છે, તેથી કપડાના ભાવને નિયંત્રિત કરવા માટે, સરકાર કપાસની આયાત ડ્‍યુટી ફ્રી કરી શકે છે જેથી સ્‍થાનિક કપડા ઉત્‍પાદકોને સુતરાઉ યાર્ન સસ્‍તા દરે મળી શકે.

તાજેતરના ભૂતકાળમાં નિકાસમાં વધારાને કારણે કપાસના ભાવમાં સતત વધારો થયો છે. બે ક્‍વાર્ટર પહેલા સ્‍થાનિક બજારમાં કપાસનો ભાવ રૂ. ૫૫,૦૦૦ પ્રતિ કેન્‍ડી (૩૫૬ કિગ્રા) હતો, જે હવે પ્રતિ કેન્‍ડી રૂ. ૧.૧૦ લાખને સ્‍પર્શી ગયો છે. જો કપાસનો પુરવઠો ઓછો હોય તો આ ભાવ પ્રતિ કેન્‍ડી ૧.૨૫ લાખ રૂપિયા સુધી જઈ શકે છે. કાપડ મંત્રાલયે નાણા મંત્રાલયને કપાસની આયાત ડ્‍યુટી ફ્રી કરવાની ભલામણ કરી છે.

(10:49 am IST)