Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

ઓસ્ટ્રેલિયા : બિમાર શિક્ષક, વિદ્યાર્થીને ઘરે રહેવાનો હુકમ

ઓસ્ટ્રેલિયામાં ફરી વિદ્યાર્થીઓ સ્કુલમાં પહોંચ્યા : સ્પેનમાં રેસ્ટોરન્ટ, બાર ખુલી ગયા : આંતરરાષ્ટ્રીય પર્યટક જુલાઈ સુધી સ્પેનમાં પ્રવેશ કરી શકશે નહીં : અહેવાલ

કેનબેરા, મેડ્રિડ, તા. ૨૫  : ઓસ્ટ્રેલયામાં કોરોના વાયરસના કેસોની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે. સાથે ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ અને ક્વીન્સલેન્ડ રાજ્યોમાં બાળકો ફરી સ્કૂલમાં પહોંચી ગયા છે. ઓસ્ટ્રેલિયાની ઓછી વસ્તી ધરાવતા પશ્ચીમી ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ ઓસ્ટ્રેલિયાના રાજ્યમાં ઓનલાઈન શિક્ષણ અપાતું હતું પરંતુ હવે બંને રાજ્યમાં વર્ગખંડોમાં શિક્ષણ શરુ કરી દેવામાં આવ્યું છે. ક્વીન્સલેન્ડના પ્રીમિયર અનાસ્તાસિયા પલાસઝુકે સોમવારે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને એક મહત્વપૂર્ણ સંદેશનું પાલન કરવામાં કહ્યું છે, જે મુજબ બીમાર હોય ઘરે રહે. ઓસ્ટ્રેલયામાં કોરોના વાયરસથી ૧૦૨ લોકોના મોત થયા છે, જેમાં ૫૦ લોકોના મોત ન્યૂ સાઉથ વેલ્સમાં થયા છે.

         તમામ રાજ્યો પોતાની સરહદો ખોલવા ઇચ્છે છે. ક્વીન્સલેન્ડમાં કોરોનાથી ફક્ત લોકોના મોત છે, પરંતુ રાજ્ય પોતાની સરહદો ખોલવા હજુ તૈયાર નથી. સ્પેનમાં પણ સોમવારથી કેટલાક દરિયાઈ બીચ ફરી ખોલી દેવાયા છે. મેડ્રિડ અને બાર્સિલોનામાં રેસ્ટોરન્ટ અને બાર ગ્રાહકોને આઉટડોર સીટિંગમાં પોતાની સેવા આપશે. સાથે સ્પેન સહિતના કેટલાય યુરોપિયન દેશ કોરોના વાયરસના કારણે લાગૂ લોકડાઉનમાં ઢીલ આપવાની તૈયારી કરી રહ્યાં છે. મીડિયા અહેવાલ અનુસાર સોમવારથી લોકો માટે સ્પેનિશ રાજધાની મેડ્રિડ અને બાર્સિલોનામાં રેસ્ટોરન્ટ તથા બારમાં આઉટડોર સીટિંગ માટે ૫૦ ટકા જગ્યા ખોલી દેવાશે. બંને શહેરોમાં કોરોના વાયરસનો ભારે પ્રકોપ હતો. સ્પેનમાં હમણાં સુધી ૨૮૭૫૨ લોકોના મોતમાં સૌથી વધુ મોત બંને શહેરોમાં થયા છે.

          જોકે, જૂનના અંત સુધીમાં એક થી બીજા પ્રાંતમાં જવાની મંજૂરી રહેશે નહીં. જ્યારે આંતરરાષ્ટ્રીય પર્યટકોને જુલાઇ સુધી દેશમાં આવવાની મંજૂરી હશે નહીં. સ્પેનમાં સતત આઠમા દિવસે રવિવારે ૧૦૦થી ઓછા લોકોના કોરોના વાયરસથી મોત થયા છે. આરોગ્ય વિભાગના અધિકારીઓના કહેવા અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં ૭૦ લોકોના મોત થયા છે. માર્ચમાં વાયરસના આઉટબ્રેક દરમિયાન એક મહિનામાં ૯૦૦ લોકોના મોત થયા હતા.

(8:07 pm IST)