Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

અમદાવાદ એરપોર્ટથી સંખ્યાબંધ ફલાઇટો ઉડીઃ મુંબઇ - ચેન્નાઇ -હૈદ્રાબાદની ફલાઇટો રદ્દ થતા મુસાફરોને ભારે હાલાકીઃ રીફંડ અપાયા

ઇ-પાસના ચક્કરમાં અમદાવાદના ૭૭ વર્ષના વૃધ્ધ એરપોર્ટ પર સલવાયાઃ જોકે હવે સાંજે બેંગ્લોર જશે... : આજે કુલ ૪૭ ફલાઇટમાંથી પ રદ્દઃ બાકીની ફલાઇટમાં માંડ ૬પ ટકા બુકીંગઃ અમદાવાદથી પોરબંદર-બેંગ્લોર-દિલ્હી-કોલકતા-ચંદીગઢ-નાસિક-નાગપુર-લખનૌ-પૂણે-વારાણસી-ઉદેપુર-ઇન્દોર-જલગાંવ-કંડલાની ફલાઇટો ગઇ : કેન્દ્રિય ઉડ્ડયન મંત્રાલયે મુસાફર પાસેથી કેટલું ભાડું લઇ શકાશેઃ ગાઇડ લાઇન જાહેર કરી

રાજકોટ તા. રપઃ લોકડાઉનના કારણે બંધ કરાયેલ અમદાવાદ ઇન્ટરનેશનલ-ડોમેસ્ટીક એરપોર્ટ આજે બરોબર ૬૧ દિવસે ધમધમ્યું છે. સામાન્ય દિવસોમાં દરરોજ રરપ જેટલી ફલાઇટમાં રપ થી ૩૦ હજાર મુસાફરોની અવરજવર હોય છે, પરંતુ આજે ૪૭ ફલાઇટની મંજુરી અપાઇ હતી તેમાંથી ૧૦ ફલાઇટો રદ્દ થયાનું એરપોર્ટ અધિકારી સુત્રોના ઉમેર્યું હતું.

અમદાવાદથી આજે વહેલી સવારે એર ઇન્ડીયાની કલાકના અંતરે મુંબઇની બે ફલાઇટ હતી તે રદ્દ કરી નખાઇ છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી ઉધ્ધવ ઠાકરેએ ફલાઇટ શરૂ કરવા સામે વિરોધ નોંધાવ્યો છે, મહારાષ્ટ્ર સરકારે ફલાઇટની મંજૂરી નહીં આપતા આ બંને ફલાઇટ રદ્દ થઇ હતી, તો તામીલનાડૂ સરકારે પણ ફલાઇટ અવર-જવર અંગે ના પાડી દેતા બપોરે ૧ વાગ્યા પછીની અમદાવાદ-ચેન્નાઇ ફલાઇટ પણ રદ્દ કરી દેવાઇ છે. અમદાવાદ-હૈદ્રાબાદ ફલાઇટ પણ રદ્દ થઇ ગઇ હતી.

સવારે ૧૦ અને ૧૧ વાગ્યે અમદાવાદથી બેંગલોર ફલાઇટ રવાના થઇ હતી, એમાં માંડ ૧૦૦ મુસાફરો હતા. દરમિયાન-બપોરે ર વાગ્યે મળતા અહેવાલો મુજબ અમદાવાદથી પોરબંદર-બેંગ્લોર-દિલ્હી-ચંદીગઢ-ઇંદોરની ફલાઇટો ઉપડી છે, બપોર બાદ પણ ઘણી ફલાઇટો હોવાનું જાહેર થયું છે. કુલ ૪૭ ફલાઇટનું બુકીંગ થઇ રહ્યું છે.

બપોરમાં અમદાવાદથી ઇંદોર-દિલ્હી-ભોપાલ-પૂણે-ગોવા-હૈદ્રાબાદ-બેંગ્લોર-નાસિકની ફલાઇટો છે, સવારે ૧૧ વાગ્યા બાદ દિલ્હી ગયેલ ફલાઇટમાં પણ ૧૦૦ મુસાફરોનું હાલ માંડ બુકીંગ છે, તો ઇંદોર જનાર ફલાઇટમાં હાલ ૯૩ પેસેન્જરોનું બુકીંગ થયું છે.

બપોરે ૧રાા વાગ્યે બેંગ્લોર જનાર ફલાઇટ બાદ ૪-રપ કલાકના, સાંજે ૭ વાગ્યે દિલ્હી, રાત્રે ૮ વાગ્યે નાસિક અને દિલ્હીની ફલાઇટો ઉપડશે.

એરપોર્ટ અધીકારી સૂત્રોએ ઉમેર્યું હતું કે ઓવર ઓલ ૩૭ ફલાઇટ થઇને માંડ ૬પ ટકા બુકીંગ આવ્યું છે.

આ સુત્રોએ જણાવ્યું કે સવારે ૧૦ સુધીમાં કોઇ મુસાફરનું ટેમ્પરેચર-કે કોરોનાના લક્ષણો જોવા મળ્યા ન હતા. દરેક મુસાફરને ર૦ કિલોગ્રામ લગેજની છૂટ અપાય છે. કેબીન બેગમાં પણ ૭ કિલો વજનની મર્યાદા રખાઇ છે. એરપોર્ટમાં અને વિમાનમાં માસ્ક ફરજીયાત તથા ફલાઇટના ઉપડવાના સમય કરતા બે કલાક પહેલું એરપોર્ટ ઉપર દરેક મુસાફરોે પહોંચવું ફરજીયાત બનાવાયું છે.

દરમિયાન અમદાવાદથી જે કંપનીની ૪૭ ફલાઇટો અવર-જવર કરશે તેમાં એરઇન્ડીયા, એર એશીયા, ઇન્ડીગો, વિસ્તારા, ત્રો-એર અને ટ્રુ-જેટનો સમાવેશ થાય છે.

તમામ પેસેન્જરોને પ્લાસ્ટીકના ફેઇસ માસ્ક અપાયા હતા, પ્રવેશ પહેલા સેનેટાઇઝ-ટેમ્પરેચર કરાયા હતા.

એરપોર્ટ સતાવાળાઓએ ઘરેથી બોર્ડીંગ પાસ પ્રિન્ટ કરીને આવવાનો નિયમ કરતા, ૩ થી ૪ મુસાફરો ફલાઇટને મીસ કરી ગયા હતા. ઓલ્ડ એજ-વ્હીલચેરવાળા ૧ થી ર મુસાફરોને જવા દેવાયા ન હતા, જેમની ફલાઇટ કેન્સલ થઇ તેમને તુર્તજ રીફંડ આપી દેવાયા હતા, તો જેઓ ચૂકી ગયા તેમને સાંજની ફલાઇટમાં જવા અંગે પણ સુવિધા અપાઇ હતી.

બપોરે ૧ વાગ્યે મળતા રીપોર્ટ મુજબ અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી જે શહેરને સાંકળતી ફલાઇટ શરૂ થવાની છે તેમાં મુંબઇ, બેંગાલુરૂ, દિલ્હી, કોલકાતા, ચેન્નાઇ, હૈદરાબાદ, ચંદીગઢ, નાસિક, નાગપુર, લખનૌ, પૂણે, વારાણસી, કિશનગઢ, ઉદેપુર, ઇન્દોર, જેસલમેર, જલગાંવ, પોરબંદર, કંડલાનો મુખ્યત્વે સમાવેશ થાય છે.

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જારી કરવામાં આવેલી વિગતો અનુસાર આ પૈકીની કેટલીક ફલાઇટ દરરોજ તો કેટલીક સપ્તાહમાં નિર્ધારીત કરેલા દિવસોમાં અમદાવાદ ખાતે અવર-જવર કરશે. પ્રથમ તબકકામાં જે એરલાઇન્સ દ્વારા અમદાવાદની ફલાઇટ શરૂ કરવામાં આવી છે તેમાં એર ઇન્ડિયા, ગલો એર, સ્પાઇસ જેટ, ઇન્ડિગો, ટ્રુ જેટ, એલિઅન્સ એર, એર એશિયાનો સમાવેશ થાય છે.

એરલાઇન્સ કેટલું ભાડું લઇ શકશેઃ ગાઇડ લાઇન જાહેર

કોઇપણ એરલાઇન્સ મહત્તમ કેટલું એરફેર મુસાફર પાસેથી વસુલી શકશે તેની પણ કેન્દ્રિય ઉડ્ડયન મંત્રાલય દ્વારા ગાઇડલાઇન જારી કરવામાં આવી છે. જેના અનુસાર ૪૦ મિનિટના અંતરની ફલાઇટ હોય તો લઘુતમ રૂપિયા ર હજાર, મહત્તમ રૂપિયા ૬ હજારનું ભાડું છે. આ જ રછીતે ૪૦ થી ૬ઢ મિનિટ માટે રૂપિયા રપ૦૦ થી રૂપિયા ૭પ૦૦, ૬૦ થી ૯૦ મિનિટ માટે રૂપિયા ૩ હજારથી રૂપિયા ૯ હજાર, ૯૦ થી ૧ર૦ મિનિટ માટે રૂપિયા ૩પ૦૦ થી રૂપિયા ૧૦ હજાર, ૧ર૦ થી ૧પ૦ મિનિટ માટે રૂપિયા ૪પ૦૦ થી રૂપિયા ૧૩ હજાર, ૧પ૦ થી ૧૮૦ મિનિટ માટે રૂપિયા પપ૦૦ થી રૂપિયા ૧પ૭૦૦ અને ૧૮૦ થી ર૧૦ મિનિટ માટે રૂપિયા ૬પ૦૦ થી રૂપિયા ૧૮૬૦૦નું એરફેર નકકી કરાયું છે.

(3:59 pm IST)