Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

લોકડાઉનને આવશ્યક ઠેરવતો રિપોર્ટ જ ગડબડવાળો !

આખા જગતે ઇમ્પીરીયલ કોલેજના જે રિપોર્ટના આધારે ગભરાઇને લોકડાઉન જાહેર કર્યુ હતું તે કોમ્પ્યુટર પ્રોગ્રામ જ બાબા આદમના જમાનાનો હતો ! : આ કોલેજના સીનીયર પ્રોફેસર લી ફર્ગ્યુસન યુકેની સાયન્ટિફિક એડવાઇઝરી ગ્રુપ ફોર ઇમરજન્સીના વડા હતા : લી ફર્ગ્યુસનના કહેવાથી લોકડાઉન થયું હતું પરંતુ તેઓ લોકડાઉન દરમિયાન પોતાની પ્રેમિકાને મળતા રહ્યા હતા !... એટલે કે તેમને ખબર હતી કે લોકડાઉનનુ ભૂત નકલી છે

 કોરોનાની મહામારી અને તેની ગંભીર અસરો દર્શાવતા સંશોધનો કે રિપોર્ટ જ શંકાસ્પદ હોવાના મુદ્દે નિષ્ણાંતોમાં મતમતાંતર પ્રવર્તી રહ્યા છે. લોકડાઉન જે રિપોર્ટને આધાર બનાવી વિશ્વભરમાં લાગુ કરવામાં આવ્યું તે રિપોર્ટ માટે વપરાયેલો કોમ્પ્યુટર પ્રોગ્રામ બાબા આદમના જમાનાનો હોવાથી કેટલો સચોટ ગણવો  તે પ્રશ્ન ઉઠી રહ્યો છે.

 

ધી પ્રિન્ટના એડિટર શેખર ગુપ્તાએ તાજેતરમાં જ કહ્યું કે આખા વિશ્વમાં જેના કારણે ભય ફેલાયો હતો એનો આધાર બ્રિટનની ઈમ્પિરિયલ કોલેજ દ્વારા એક અભ્યાસ કરીને આપવામાં આવેલો રિપોર્ટ હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે જો અપાર ઝડપે ફેલાતા કોરોનાને રોકવા માટે લોકડાઉન જેવા ઉપાય ન કરવામાં આવે તો અમેરિકામાં ૨૨ લાખ માણસો મૃત્યુ પામશે. વિશ્વમાં બધું મળીને ૯ કરોડ લોકો મૃત્યુ પામશે. બ્રિટનમાં ૫,૧૦,૦૦૦ લોકો મૃત્યુ પામશે. બ્રિટનની વસતી ભારતના પાંચ ટકા જેટલી છે. એમાં જો આટલા બધા લોકો મૃત્યુ પામે તો હાહાકાર મચી જાય. એટલે ગભરાઈને બધા દેશોએ લોકડાઉનનો માર્ગ અપનાવ્યો.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન લોકડાઉન કરવા માગતા જ નહોતા. બોરિસ જોન્સને તો જાહેર કરી દીધું હતું કે મોટી ઉંમરના વડીલો, ડાયાબિટીસ, હૃદયરોગ વગેરે રોગ ધરાવતા અને ૧૦ વર્ષથી નાનાં બાળકોને લોકડાઉન કરી દેવામાં આવે. એમને કહીશું કે ઘરમાં જ રહો. બાકીના લોકો પોતાનો રોજબરોજનો નોકરી, વ્યવસાય, કારોબાર ચાલુ રાખે. એને નિષ્ણાતો ટેકિનકલ ભાષામાં હર્ડ ઈમ્યુનિટી કહે છે. ડોનાલ્ડ ટ્રમ્પ પણ આ જ કરવા માગતા હતા. છતાં નિષ્ણાતોના દબાણ હેઠળ નમતું જોખીને એમણે લોકડાઉન જાહેર કરવું પડયું. આ વ્યૂહ સ્વિડને અપનાવ્યો હતો. બ્રિટન અમેરિકા પણ એ જ વ્યૂહ અપનાવવાના હતા. પણ ઈમ્પિરિયલ કોલેજના નિષ્ણાતોએ કહ્યું કે સ્વિડન ભૂલ કરી રહ્યું છે. ત્યાં લોકડાઉન ન કરાય તો ૧ મે સુધી ૪૦૦૦૦ લોકો મૃત્યુ પામશે અને મેમાં ૧ લાખ માણસો મૃત્યુ પામશે. એપ્રિલમાં સ્વિડનમાં ખરેખર મૃત્યુઆંક મોટો લાગતો હતો. છતાં સ્વિડને પોતાનો રસ્તો ન બદલ્યો. આજે સ્વિડનનો નિર્ણય સાચો પુરવાર થયો છે.

હવે જે ઈમ્પિરિયલ કોલેજના રિપોર્ટના આધારે આખા જગતે ગભરાઈને લોકડાઉન કરી લીધું એ કોલેજના સ્ટડીમાં વપરાયેલો કમ્પ્યૂટર પ્રોગ્રામ બાબા આદમના જમાનાનો હતો. સી પ્લસ પ્લસ અથવા ફોરટ્રૂન પર આ ગણતરી કરી હતી. એમાં મોટાભાગે ગરબડવાળાં જ તારણો આવે છે, કારણ કે એમાં કમ્પ્યૂટર પ્રોગ્રામ એક જ પેજ પર સળંગ હોય છે. હવે ચોકસાઈ માટે કેટલાંય વર્ષોથી એમાં જુદાજુદા વિભાગ માટે જુદાં જુદાં પેજ લખવાની પરંપરા છે. જયારે આટલો વિકાસ થઈ ચૂકયો છે ત્યારે ઈમ્પિરિયલ કોલેજે જરીપુરાણાં ખખડધજ સોફ્ટવેર પર ગણતરી કેમ કરી? અને એના રિપોર્ટ તદ્દન સાચા હોવાનું દબાણ કરીને બધાને લોકડાઉન માટે મજબૂર કેમ કર્યા. કમ્પ્યૂટર પ્રોગ્રામમાં નક્કર વાત છે કે એક રતિભાર પણ ફરક પડે તો પરિણામ સાવ વિરોધાભાસી આવી શકે છે.

દરમિયાન ગરબડ બહાર આવી. ઈમ્પિરિયલ કોલેજના વરિષ્ઠ પ્રોફેસર લી ફર્ગ્યુસન. તે યુકેની સાયન્ટિફિક એડવાઈઝરી ગ્રૂપ ફોર ઈમરજન્સીના વડા હતા. લોકડાઉન એમના કહેવાથી થયું. હવે મીડિયાએ શોધી કાઢયું કે લોકડાઉન દરમિયાન એ પોતે લોકડાઉનનો ભંગ કરીને પોતાની પ્રેમિકાને બોલાવીને મળતા રહ્યા હતા. એટલે કે એમને ખબર હતી કે લોકડાઉનનું ભૂત નકલી છે. હવે જયારે લોકડાઉનનો આગ્રહ કરનાર રિપોર્ટ જ ખોટો સાબિત થઈ ગયો છે ત્યારે વિશ્વભરના દેશો મૂંઝવણમાં આવી પડયા છે કે હવે શું કરવું?

માણસજાત દરેક વાતે પોતાનાં કામોનું વિશ્લેષણ કરીને એમાંથી પોતાની ભૂલો તારવે છે. ભૂલ કેમ થઈ એનું પૃથક્કરણ કરે છે અને ફરીથી એ ભૂલ ન થાય એ માટે જરૂરી સુધારો કરે છે. આ માનવજાતનો સ્વભાવ હોવાનું કહેવાય છે. એની સામે નક્કર તથ્યો જોઈએ તો સાબિત થાય છે કે માનવજાત દરેક આફત વખતે એમાં કોનું કાવતરું હતું એ શોધવા મથે છે, જેથી દોષનો ટોપલો એના માથે નાખી શકાય. બીજો વર્ગ એવો હોય છે જે માત્ર એક જ દિશામાં પ્રયાસ કરે છે; આ આફતમાંથી હું વધુમાં વધુ કેટલો લાભ લઈ શકું? -અને એ શી રીતે મળી શકે? આફત પછી માનવજાત બધું ભૂલીને 'ચાલેશે'ની નીતિમાં ગુલતાન થઈ જાય છે. જો એમ ન હોત તો અત્યારે આ વાઈરસ પાછળ કયા દેશનો કેવો હાથ છે એની ચર્ચા ન ચાલતી હોત. લોકડાઉનનો નિર્ણય જાતે લીધા પછી એના કારણે થયેલું નુકસાન કોઈપણ દેશ પાસેથી વસૂલ કરવાના વ્યૂહ ન ઘડાતા હોત. ૧૯૧૮ના ફ્લૂ પેન્ડેમિક પછી માનવજાતે વાઈરસથી બચવાના તમામ જડબેસલાક ઉપાય શોધી લીધા હોત, એનું જડબેસલાક પાલન થતું હોત અને આ નવો રોગચાળો સર્જાયો જ ન હોત.

(3:01 pm IST)