Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

બોલિવુડ એકટર સોનુ સૂદનો સ્મૃતિ ઇરાનીએ આભાર માન્યો

પરપ્રાંતીય શ્રમિકોની સતત મદદ કરી રહેલા

મુંબઈ, તા. ૨૫: બોલિવુડ એક્ટર સોનુ સૂદના આજકાલ ચારેય બાજુ વખાણ થઈ રહ્યા છે. કોરોના વાયરસના કારણે જાહેર થયેલા લોકડાઉનમાં સોનુ સૂદ સતત પ્રવાસી મજૂરોની મદદ કરી રહ્યા છે. સોનુ સુદ પોતાના ખર્ચે પરપ્રાંતીય મજૂરોને પોતાના ખર્ચે ઘરે મોકલવાનું કામ કરી રહ્યો છે. સોશિયલ મીડિયા પર સોનુ સૂદના ખૂબ વખાણ થઈ રહ્યા છે. હવે કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા સ્મૃતિ ઇરાનીએ પણ સોનુ સૂદના કામની પ્રશંસા કરી છે.

સ્મૃતિ ઇરાની છેલ્લા ૨૦ વર્ષથી અંગત રીતે સોનુ સૂદને ઓળખે છે. સ્મૃતિ ઇરાનીએ ટ્વિટર પર સોનુ સૂદના વખાણ કરતા કહ્યું  લખ્યું, 'એક પ્રોફેશનલ સહકર્મી તરીકે હું તમને બે દશકથી વધુ સમયથી ઓળખું છું અને એક્ટર તરીકે તમને ખીલતા જોયા છે. પરંતુ આ મુશ્કેલ ઘડીમાં તમે જે ઉદારતા દાખવી છે તેના પર મને ગર્વ થાય છે. જરૂરિયાતમંદોની મદદ કરવા માટે આભાર.'

ઉલ્લેખનીય છે કે, સોનુ સૂદ સતત મુંબઈમાં ફસાયેલા પરપ્રાંતીય શ્રમિકોની મદદ કરી રહ્યો છે. તે સ્વખર્ચે શ્રમિકોને પોતાના વતી મોકલી રહ્યા છે. અત્યાર સુધી સોનુએ ૧૨૦૦થી વધુ પ્રવાસી મજૂરોને ઘરે જવામાં મદદ કરી છે. સોનુએ યુપી-બિહાર ઉપરાંત કર્ણાટકના પ્રવાસી મજૂરોને પણ વતન મોકલવાની વ્યવસ્થા કરી હતી. આ પહેલનું નામ સોનુએ 'ઘર ભેજો' રાખ્યું છે.

પરપ્રાંતીય મજૂરો પણ સોનુ પાસે ઘરે જવા માટે મદદ માગી રહ્યા છે. સોનુ મજૂરોને ઘરે મોકલવાની સાથે તેમના ખાવાપીવાની પણ વ્યવસ્થા કરે છે.

(2:58 pm IST)