Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

૨૭૦ વર્ષ પુરાણા ઐતિહાસિક 'વડ'ને અંફને ભારે નુકસાન કર્યું : ૪.૬૭ એકરમાં ફેલાવો

મોટા તોફાનો સામે ટક્કર ઝીલનાર વડ અંફાન વાવાઝોડા સામે હારી ગયો

કોલકત્તા તા. ૨૫ : ચક્રવાતી તોફાન અંફાન કોલકત્તામાં આવ્યાના એક દિવસ પછી ૨૧ મેની સવાર પ્રકૃતિ પ્રેમીઓ માટે બહુ પિડાદાયક સાબિત થઇ. પીપળ, ગુલમહોર, લીમડા, વડ અને અશોક જેવા સૌથી વધુ વર્ષના વૃક્ષોવાળા કોલકત્તાના પાર્ક સ્ટ્રીટ, બીડન સ્ટ્રીટ, સેન્ટ્રલ એવન્યુ અને સધર્ન એવન્યુ જેવા રોડ આ વૃક્ષોનું કબ્રસ્તાન બની ગયા. એટલું જ નહીં હાવરાના શિવપુરના વિશ્વ પ્રસિધ્ધ ૨૭૦ વર્ષ જૂના વડના ઝાડને પણ નુકસાન થયું. કોલકત્તાનગર નિગમ અનુસાર અમ્ફાનની ૧૩૦ કિલોમીટરની ઝડપવાળી હવાઓએ કોલકત્તામાં જ ૫ હજારથી વધારે વૃક્ષોનો સોથ બોલાવી દીધો હતો. ઘણા વૃક્ષો મકાન પર તો ઘણા રોડ પર પડી ગયા હતા જેના કારણે વીજળી, ટેલીફોન અને બ્રોડબેન્ડ સેવાઓને અસર થઇ છે.

હાલમાં જ આવેલા ફેની અને બુલબુલ નામના વાવાઝોડાઓ સામે ટક્કર લઇ ચૂકેલ આ વડનું નિરીક્ષણ કર્યા પછી અધિકારીઓએ જણાવ્યું કે, આ વૃક્ષને ટેકો આપનાર ૪૧ વડવાઇઓ અને ૩૦ ડાળીઓ નષ્ટ થઇ ગઇ છે. આ ઐતિહાસિક વૃક્ષ આચાર્ય જગદીશચંદ્ર બોઝ ભારતીય વનસ્પતિ ઉદ્યાનમાં ૪.૬૭ એકર જમીનમાં ફેલાયેલું છે. ૧૮૬૪ અને ૧૮૬૭ના ચક્રવાતી તોફાનોમાં આ વૃક્ષનું મુખ્ય થડ નષ્ટ થઇ ગયું હતું. ઉદ્યાનના ડાયરેકટર કનકદાસે જણાવ્યું કે, ઉદ્યાનમાં અન્ય ઘણાં દુર્લભ વૃક્ષોને પણ નુકસાન થયું છે અને તેમને બચાવવાના પ્રયત્નો કરાઇ રહ્યા છે.

(2:57 pm IST)