Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

જુલાઇમાં ભારતનો આંકડો પહોંચશે ૨૧ લાખ

દર ૧૩ દિવસે ડબલ થયા કેસઃ યુનિ-ઓફ મિશિગન અને જોન હોપકિન્સ યુનિ.નો ધડાકો

વોશિંગટન, તા.૨૫: ભારત પણ દુનિયાભરમાં કોરોના વાયરસના હોટસ્પોટ પૈકીનો એક દેશ બની ગયો છે અને અહીં સંક્રમણના કેસ ૧,૩૮,૫૦૦થી પણ વધુ થઈ ચૂકયા છે. ભારતમાં સંક્રમણ (કોવિડ-૧૯)થી ૪,૦૨૧ લોકો પોતાનો જીવ ગુમાવી ચૂકયા છે. જોકે હવે યુનિવર્સિટી ઓફ મિશિગન અને જોન હોપકિન્સ યુનિવર્સિટીએ કોરોના મોડલ વિશે ચેતવણી આપી છે કે ભારતમાં જુલાઈના પહેલા સપ્તાહ સુધી ૨૧ લાખ લોકો સંક્રમણનો શિકાર થઈ શકે છે.

યુનિવર્સિટી ઓફ મિશિગનમાં બાયોસ્ટૈટિસ્ટિકસ અને મહામારો રોગ વિશેષજ્ઞ પ્રોફેસર ભ્રમર મુખર્જીએ ન્યૂઝ એજન્સી રોયટર્સને ભારત માટે તૈયાર કરવામાં આવેલા મોડલ વિશે જાણકારી આપી છે કે અહીં સ્થિતિ વધુ ગંભીર થઈ શકે છે. પ્રોફેસર ભ્રમર મુખર્જીનું કહેવું છે કે ભારતમાં સંક્રમણના કેસ વધવાની ગતિ હજુ ધીમી નથી થઈ. સરકારી આંકડાઓ મુજબ, ભારતમાં કોરોના વાયરસથી સંક્રમણના કેસ દર ૧૩ દિવસે બમણાં થઈ રહ્યા છે. એવામાં સરકારના લોકડાઉન સાથે જોડાયેલા પ્રતિબંધોમાં છૂટ આપવી મુશ્કેલ વધારી શકે છે.

આ પહેલા પ્રોફેસર ભ્રમર મુખર્જીની ટીમે જ એપ્રિલમાં સૌથી પહેલા જણાવ્યું હતું કે મધ્ય મે સુધી ભારતમાં સંક્રમિતોની સંખ્યા ૧ લાખથી વધુ થઈ જશે. હવે મુખર્જીની ટીમનું અનુમાન છે કે ભારતમાં જુલાઈની શરૂઆત સુધી ૬,૩૦,૦૦૦થી ૨૧ લાખ લોકો આ વાયરસથી સંક્રમિત થઈ શકે છે.સમાચાર એજન્સી રોયટર્સનું કહેવું છે કે ભારતના સ્વાસ્થ્ય મંત્રાલયે સંક્રમણમાં વૃદ્ઘિ સાથે જોડોયલા આ અનુમાનો પર કોઈ પ્રતિક્રિયા નથી આપી. નોંધનીય છે કે દેશભરમાં સંક્રમણના કુલ કેસનો પાંચમો હિસ્સો માત્ર મુંબઈ શહેરમાં છે.

જોન હોપકિન્સ યુનિવર્સિટી અને મુખર્જીની ટીમે ભારતમાં અત્યારની સ્વાસ્થ્ય સેવાઓ અને હોસ્પિટલોમાં બેડ અને વેન્ટિલેટર્સની અછત અંગે પણ ચિંતા વ્યકત કરી છે. સરકારી આંકડાઓ મુજબ ભારતમાં હાલમાં લગભગ ૭૧૪,૦૦૦ હોસ્પિટલ બેડ્સ છે જયારે વર્ષ ૨૦૦૯માં આ સંખ્યા લગભગ ૫૪૦,૦૦૦ હતી.

(2:47 pm IST)