Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

મુંબઇમાં કોરોનાથી સ્થિતિ ચિંતાજનક

હોસ્પિટલો હાઉસફુલ : તંત્ર ટૂંકુ પડે છે

મુંબઇ તા. ૨૫ : માયાવીનગરી મુંબઇને હાલ કોરોનાએ ભરડામાં લીધેલ છે. શહેરમાં અત્યાર સુધીમાં ૯૮૮ લોકોને કોરોના ભરખી ગયો છે અને કુલ ૩૦૫૪૨ કેસ છે. સ્થિતિ દિવસેને દિવસે ગંભીર બની રહી છે. શહેરની હોસ્પિટલો દર્દીઓથી હાઉસફુલ છે ત્યારે ફ્રન્ટલાઇન સ્ટાફ ફીઝીકલ, ઇમોશ્નલ અને સાયકોલોજીકલ એર્ટની સામે ઝઝુમી રહ્યો છે.

મેડીકલ કન્સલટન્ટ એસો.ના પ્રમુખ ડો. દિપક બૈદ કહે છે કે મુંબઇ હેલ્થ કટોકટીના આરે આવીને ઉભું છે. માર્ચ-એપ્રિલમાં જેવી ન્યૂયોર્કની સ્થિતિ હતી તેવી સ્થિતિ મુંબઇની થઇ છે.

શહેરની હોસ્પિટલોની સ્થિતિ ચિંતાજનક છે. ઠેરઠેર લાઇનો જોવા મળી રહી છે. વોર્ડ ભરચક્ક થઇ ગયા છે. કલાકો સુધી મૃતદેહો વોર્ડમાં પડી રહ્યા છે. હવે તંત્રએ ખાનગી હોસ્પિટલોનો કબજો લીધો છે એટલું જ નહિ બસ અને શાળાની વેનને એમ્બ્યુલન્સમાં પરિવર્તિત કરવાની તૈયારી થઇ રહી છે.

મુંબઇમાં જેટલા બેડ અને વેન્ટીલેટર છે તે અપૂરતા છે. જુન સુધીમાં ૦.૫ ટકા વસ્તીને કોરોના થાય તેવો અંદાજ છે.

જો કે રાહતની વાત એ છે ન્યૂયોર્ક કરતા ભારતમાં મૃત્યુદર ઓછો છે ત્યાં ૫.૯ ટકાનો હતો. જ્યારે આપણે ત્યાં ૨.૯ ટકા છે.

જોકે બીએમસીનું કહેવું છે કે, હજુ પણ મોટી કટોકટી આવે તો તેને પહોંચી વળવા અમે તૈયાર છીએ.

(1:35 pm IST)