Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

અમેરિકામાં પાસ્તા બનાવતી કંપનીના ૨૪ કર્મચારીઓ કોરોનાની ઝપટે

ન્યુયોર્કઃ અમેરિકા કોરોના વાયરસ સામે સંપૂર્ણપણે લાચાર દેખાઇ રહ્યું છે. અમેરિકામાં આ વાયરસ લગભગ એક લાખ લોકોનો ભોગ લઇ ચૂકયો છે. હવે અમેરિકાની એક ફુડ પ્રોડકટ બનાવનાર કંપનીમાં પણ કોરોનાએ પગ પેસારો કર્યો છે. અમેરિકામાં પાસ્તા બનાવતી એક કંપનીને સ્પોકન શહેરમાં આવેલ પોતાની ફેકટરીમાં કોરોના ફેલાયાની જાહેરાત કરી છે.અમેરિકન સરકાર અર્થવ્યવસ્થાને ફરીથી ચાલુ કરવાની તૈયારી કરી રહી છે ત્યારે જ આ સમાચાર બહાર આવ્યા છે. 'ધ સ્પોકસમેન રિવ્યુ' નામના અખબારના સમાચાર અનુસાર, ફિલાડેલ્ફીઆ મેક્રોની કંપનીએ શુક્રવારે એક બયાનમાં જણાવ્યુ કે તેના ૭૨ કર્મચારીઓની કોરોના તપાસ કરવામાં આવી તેમાંથી ૨૪ કર્મચારીઓ પોઝીટીવ મળી આવ્યા છે. આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું કે સ્પોકન કાઉન્ટીમાં ગુરૂવાર અને શુક્રવાર વચ્ચે ૩૧ નવા કેસ આવતા ફફડાટ મચ્યો છે.

કંપનીના અધિકારીઓએ જણાવ્યું કે ફેકટરીના બધા કર્મચારીઓની તપાસ કરવામાં આવી અને ફેકટરીને ડીસ ઇન્ફેકટ કરવામાં આવી છે. કંપનીના સંક્રમિતોના સંપર્કમાં આવેલા લોકોની ભાળ મેળવવા માટે કંપની સ્પોકન રીજીયોનલ હેલ્થ ડીસ્ટ્રીકટ સાથે મળીને કામ કરી રહી છે. જણાવાઇ રહ્યું છે કે બધા કર્મચારીઓને કવોરન્ટાઇન કરી દેવાયા છે અને માહિતી એકઠી કરાઇ રહી છે કે જે લોકો સંક્રમિત મળી આવ્યા છે તેમના સંપર્કમાં કેટલા લોકો આવ્યા હતા.

(1:34 pm IST)