Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

કોરોનાના દર્દીની વેન્ટીલેટરની જરૂરીયાત ટાળવા માટે સ્વિટઝરલેન્ડની કંપનીના ૫૦૦ ઈંજેક્ષન મંગાવાયા

૪૦૦ એમ.એલ.ના 'ટોસિલિઝુમેબ' ઈંજેક્ષનની કિંમત રૂ. ૨૯,૪૦૦

રાજકોટ તા. ૨૫:  ગુજરાત સરકારે રાજ્યમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે સ્વિટઝરલેન્ડની કંપનીના મોંઘાભાવના  ઈંજેક્ષન  વાપરવાનુ શરૂ કર્યુ છે. 'ટોસિલિઝુમેબ' નામના આ ઇંજેક્ષન કોરોનાના જે દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડે અને વેન્ટિલેટર મૂકવાની જરૂર પડે તે વખતે આ ઈંજેક્ષન આપવાથી વેન્ટિલેટરની જરૂરીયાત ટાળી શકાય છે. આ ઈંજેક્ષન વેન્ટિલેટરનો વિકલ્પ નથી પરંતુ વેન્ટિલેટર પર આવવાની સ્થિતી રોકવા માટે ઉપયોગી છે.

ગાંધીનગરની સીવિલ હોસ્પિટલમાં એક યુવાન દર્દી ઉપર આ પ્રયોગ કરવામાં આવેલ. તેને વેન્ટિલેટર પર મુકવાની જરૂરીયાત ઉભી થઇ તે વખતે ઈંજેક્ષન આપવાથી શ્વાસની તકલીફમાં રાહત થઇ અને વેન્ટિલેટર વગર જ સારવાર આગળ વધારી શકાય. બોમ્બેની સીપલા કંપની  ભારતમાં  આ ઈંજેક્ષનનું માર્કેટીંગ કરે છે. તે ૪૦૦ એમએલ, ૨૦૦ એમએલ અને ૮૦ એમએલના માપમાં આવે છે. દર્દીની જરૂરીયાત અને  શારિરીક સ્થિતી મુજબ એક સાથે ૪૦૦ એમએલ અથવા તબક્કાવાર આપવામાં આવે છે.૪૦૦ એમએલના ઈંજેક્ષનની કિંમત રૂ. ૨૯,૪૦૦ છે.

'ટોસિલિઝુમેબ' ઈંજેક્ષન મૂળ સંધીવાના દર્દીઓની ગંભીર પ્રકારની સ્થિતી વખતે કામમાં લેવામાં આવે છે. કોરોનાના દર્દીઓને  શ્વાસ લેવામાં તકલીફ થાય અને વેન્ટિલેટરની જરૂરિયાત ઉભી થાય તે વખતે વેન્ટિલેટર મૂકવાને બદલે ઈંજેક્ષન આપી શ્વાસની ક્રિયા સામાન્ય બનાવવા માટે ઈંજેક્ષન ઉપયોગી હોવાનું પ્રયોગ પરથી તારણ નિકળતા રાજ્ય સરકારે  ૫૦૦ ઈંજેક્ષનની માંગણી કરી છે. તે પૈકી અલગ અલગ માપના ૨૦૦ ઈંજેક્ષન આવી ગયા છે.અમદાવાદ અને અન્યત્ર જરૂરીયાત મુજબ  તેનો ઉપયોગ થશે.

ઈંજેક્ષન ઉપલબ્ધ કરાવવા અંગેની કામગીરી માટે ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર  ડો. એચ.જી. કોશિયા કાર્યરત છે.

(12:47 pm IST)