Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

ભારતીય હોકીના દિગ્ગજ બલબીર સિંહનું નિધનઃ દેશને ઓલિમ્પિકમાં અપાવ્યા હતા ૩ ગોલ્ડ

બલબીર સિંહ સીનિયરે લંડન (૧૯૪૮), હેલસિંકી (૧૯૫૨) અને મેલબર્ન (૧૯૫૬) ઓલિમ્પિકમાં ભારતને ગોલ્ડમેડલ જીતાડવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરી હતી

નવી દિલ્હી, તા.૨૫: ભારતીય હોકી ટીમને ત્રણ ગોલ્ડ મેડલ જીતાડનારા હોકીના દિગ્ગજ બલબીર સિંહ સીનિયરનું સોમવાર સવારે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ હતા. પારિવારિક સૂત્રોએ જણાવ્યું હતું કે તેમને શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારબાદથી તેઓ વેન્ટિલેટર પર હતા. તેમના વિભિન્ન અંગો પર અસર પડી રહી હતી. ૯૫ વર્ષીય બલબીર સિંહ સીનિયરને ગયા વર્ષે પણ શ્વાસ સંબંધી તકલીફના કારણે અનેક સપ્તાહ સુધી ચંદીગઢની PGIMIRમાં રહેવું પડ્યું હતું.

બલબીર સિંહ સીનિયરે લંડન (૧૯૪૮), હેલસિંકી (૧૯૫૨) અને મેલબર્ન (૧૯૫૬) ઓલિમ્પિકમાં ભારતને ગોલ્ડ મેડલ જીતાડવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરી હતી. હેલસિંકી ઓલિમ્પિકમાં નેધરલેન્ડ્સની વિરુદ્ઘ ૬-૧થી મળેલી જીતમાં તેઓએ ૫ ગોલ કર્યા હતા અને તે રેકોર્ડ હજુ પણ તોડી નથી શકાયો. તેઓ ૧૯૭૫ વર્લ્ડ કપ વિજેતા ભારતીય હોકી ટીમના મેનેજર પણ રહી ચૂકયા છે.

બલબીર સિંહ સીનિયર માત્ર ભારત જ નહીં દુનિયાના સૌથી મોટી ખેલાડીઓમાં સામેલ છે. દેશના મહાન ખેલાડીઓમાંથી એક બલબીર સિનિયર આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ દ્વારા પસંદ કરવામાં આવેલા આધુનિક ઓલિમ્પિક ઈતિહાસના ૧૬ મહાન ઓલિમ્પિયનોમાં સામેલ હતા.

(11:38 am IST)