Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

જીવલેણ વાયરસથી અમદાવાદની સાથે દેશનાં ૧૧ શહેરો પર ખતરો, આગામી બે મહિના સુધી કેસ વધશે

દેશમાં કોરોના વાઈરસના કુલ કેસમાંથી ૭૦ ટકા કેસ આ ૧૧ શહેરોમાં નોંધાયા

નવી દિલ્હી, તા.૨૫: કોરોના વાઈરસ સામેની લડતમાં આગામી બે મહિના માટે તેમના હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રકચરમાં સુધારો કરવો જોઈએ તેમ સ્વાસ્થ્ય મંત્રાલયે દેશના ૧૧ શહેરોની મ્યુનિસિપાલિટીને નિર્દેશો આપ્યા છે. દેશમાં કોરોના વાઈરસના કુલ કેસમાંથી ૭૦ ટકા કેસ આ ૧૧ શહેરોમાં નોંધાયા હોવાથી મંત્રાલયે આ નિર્દેશો આપ્યા છે. મહારાષ્ટ્ર, તમિલનાડુ, ગુજરાત, દિલ્હી, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને રાજસ્થાન એમ સાત રાજયોના ૧૧ શહેરોમાં કોરોનાના ૭૦ ટકા કેસ જોવા મળ્યા છે તેમ સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું.

દેશમાં એક દિવસમાં કોરોનાથી વધુ ૧૫૮નાં મોત નીપજયાં હતા અને ૬,૭૮૧થી નવા કેસ નોંધાયા હતા. દેશમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક ૩,૯૪૦ થયો છે જયારે કુલ કેસ ૧,૩૫,૬૨૧ને પાર થઈ ગયા છે. દેશમાં રાષ્ટ્રવ્યાપી લોકડાઉનમાં છૂટછાટો સાથે ભારતમાં કોરોના વાઈરસના કેસની સંખ્યામાં કૂદકે ને ભૂસકે વધારો થઈ રહ્યો છે. દેશમાં સતત ત્રીજા દિવસે કોરોનાના ૬,૭૦૦થી વધુ નવા કેસ નોંધાયા હતા. કોરોનાના કેસ પર વૈશ્વિક સ્તરે નજર રાખતી વેબસાઈટ વર્લ્ડઓમીટરના અહેવાલ મુજબ ભારતમાં કોરોનાના કુલ કેસ ૧,૩૭,૬૦૮ થયા છે. આ સાથે ભારત કોરોનાના કેસની દૃષ્ટિએ ઈરાનને પાછળ પાડીને વિશ્વમાં ટોપ-૧૦માં સામેલ થઈ ગયું છે. દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકારે કોરોનાના કુલ કેસમાંથી ૭૦ ટકા કેસ નોંધાયા છે તેવા ૧૧ શહેરોના મ્યુનિસિપલ તંત્રને કોવિડ-૧૯ કેસનો પ્રસાર અટકાવવા માટે જૂના શહેરો, ઝુંપડપટ્ટીઓ, પરપ્રાંતીય મજૂરોના કેમ્પ સહિત અન્ય કલસ્ટર ઝોન પર નિરિક્ષણ વધારવા નિર્દેશ આપ્યા હતા.

(11:38 am IST)