Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

સરહદે ટેન્શનના વાદળો

LOC ખાતે ૩ સ્થળે ભારત - ચીન સૈન્ય આમને સામને

જમ્મુ તા. ૨૫ : પૂર્વ લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલઓસી) પર ચીન સાથે તંગદિલીનું વાતાવરણ ઉભું થયું છે. સેનાના ઉચ્ચ અધિકારીક સૂત્રોએ જણાવ્યું કે, એલએસી પર ત્રણ જગ્યાઓએ ચીની સૈન્કો અને ભારતીય જવાનો સામસામે છે. ચીની સૈનિકોની વધતી જતી સંખ્યાને જોઇને ભારતીય સેના પણ સાવધ છે અને આર્મી કમાન્ડર સરહદની સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. ભારતીય સેનાના જવાન એલએસી પર ચીની સૈનિકોની બરાબર સામે ૩૫૦ મીટરના અંતરે મોરચો સંભાળીને ઉભા છે.

પૂર્વ લદ્દાખના દોલતબાગ ઓલ્ડી વિસ્તારમાં કમાન્ડર સ્તરની વાતચીત થઇ હતી પણ તેનું કોઇ તારણ નથી નિકળ્યું. ચીની સૈન્ય જમા થયા પછી સૈનિકોની સંખ્યા વધારી ચૂકેલ ભારતીય સેનાનું નોર્ધર્ન કમાન્ડર નક્કી કરાયેલ રણનીતિ મુજબ ગમે ત્યારે પૂર્વ લદ્દાખમાં વધારાના સૈનિકો મલકવા માટે સક્ષમ છે. સૂત્રોએ જણાવ્યું કે, પૂર્વ લદ્દાખમાં એલએસી પર ત્રણ જગ્યાએ ચીની સૈનિકો ભેગા થયા છે.

સૈન્યમાં રીટાયર્ડ બ્રિગેડીયર અનિલ ગુપ્તાએ જણાવ્યું કે, ભારતીય સેના લદ્દાખમાં બહુ મજબૂત બની ગઇ છે. હવે ઓલ વેધર રોડ દ્વારા સૈનિકોને તાત્કાલિક એલએસી સુધી લઇ જઇ શકાય છે. દોલતબાગ ઓલ્ડીમાં વાયુ સેનાનું એડવાન્સ લેન્ડીંગ ગ્રાઉન્ડ બની જવાથી ભારતીય સૈન્યની તાકાતમાં અનેકગણો વધારો થયો છે. ગુપ્તાએ જણાવ્યું કે, આ જ કારણથી ચીન પહેલા કરતા વધારે શરારતો કરે છે. ભારતીય સેના હવે પૂર્વ લદ્દાખમાં પણ ચીનની શરારતોનો યોગ્ય જવાબ આપવા માટે સંપૂર્ણ પણે સક્ષમ છે.

(11:37 am IST)