Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

મુંબઇઃ મીરા રોડના બાર -ડાન્સરોએ દારૂ માટે કવોરન્ટીન સેન્ટરમાં ધમાલ મચાવી

મીરા રોડથી ઉતર પ્રદેશના મોરાદાબાદ ગયેલા આ લોકો સામે પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી

મુંબઈ,તા.૨૫:કોરોનાના સંકટને કેટલાક લોકોએ ગંભીરતાથી લીધું ન હોવાનું તાજેતરની એક ઘટનામાં જણાઈ આવ્યું છે. મીરા રોડથી ટ્રકમાં ઉત્ત્।ર પ્રદેશના મોરાદાબાદ ગયેલા ૭૨માંથી પાંચ બાર-ડાન્સરને કોરોનાનું સંક્રમણ થવાથી તેમને મોરાદાબાદના કવોરન્ટીન સેન્ટરમાં રખાયા છે. આમાંથી કેટલાક લોકોએ હેલ્થ વર્કરો સામે ડાન્સ કરીને બિયરની માગણી કરવાની સાથે ધમાલ મચાવી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે આ લોકો સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.

મોરાદાબાદ પોલીસના જણાવ્યા મુજબ મુંબઈને અડીને આવેલા મીરા રોડમાં રહેતા બારમાં કામ કરતા લોકો તેમના પરિવાર સાથે ટ્રકમાં બેસીને અહીં પહોંચ્યા હતા. કોરોનાની ગાઇડલાઇન મુજબ તેમની ટેસ્ટ કરાતાં આમાંથી પાંચ જણની ટેસ્ટ પોઝિટિવ આવી છે. ૭૨ લોકોમાં ૨૦ મહિલા અને ૧ર બાળકોનો સમાવેશ થાય છે.આ લોકોને જે હેલ્થ સેન્ટરમાં રખાયા છે ત્યાંના સ્ટાફે પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં કહ્યું છે કે આમાંના કેટલાક લોકો અહીં આવ્યા ત્યારથી સતત બિયરની માગણી કરીને ડાન્સ કરીને ધમાલ મચાવે છે. બિયર ન આપી શકો તો ઘરે જવાની જીદ તેઓએ પકડી છે. જોકે કવોરન્ટીનનો સમય પૂરો થવાની સાથે કોરોનાનો જયાં સુધી રિપોર્ટ નેગેટિવ ન આવે ત્યાં સુધી તેમને નહીં જવા દેવાનું હેલ્થ વર્કરોએ કહ્યું હતું.

મોરાદાબાદ વિસ્તારના એડિશનલ પોલીસ સુપરિન્ટેન્ડન્ટ દીપક ભુકેરે આ વિશે કહ્યું હતું કે મુંબઈ નજીકના મીરા રોડથી અહીં ટ્રકમાં આવી રહેલા લોકોને ડિટેઇન કરીને તેમને કવોરન્ટીન સેલમાં રખાયા છે અને ટ્રક-ડ્રાઈવર ઉપરાંત દારૂની માગણી કરીને ધમાલ મચાવનારા આ લોકો સામે અમે આઇપીસીની કલમ ૧૪૭, ૩૩ર, ૩૫ર, ૫૦૪, ૧૮૮, ર૬૯ અંતર્ગત ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

(10:24 am IST)